કોંગ્રેસમાં રાહુલની છાવણીનો સફાયો ! કોણ પોતાના માટે રસ્તો સાફ કરી રહ્યું છે ? : પાર્ટ 2

ગાંધી પરિવારમાં રાહુલ અને સોનિયા પછી જો કોઇ ત્રીજું નામ હોય તો તે પ્રિયંકા ગાંધી વાડ્રા છે. સ્વાભાવિક રૂપે સત્તાનું હસ્તાંતરણ પ્રિયંકાના હાથમાં જ આવવાનું છે અને તેની જ આ પટકથા લખાઇ રહી છે. સિંધિયા જેવા મોટા નેતા પક્ષ છોડી દે તે કોંગ્રેસ જેવી પાર્ટી માટે નાની ઘટના તો નથી જ. આ સ્થિતિમાં બની શકે છે કે ગાંધી પરિવારના જ કોઇ સભ્યએ અંદરખાને આ પટકથા લખી હોય અને એ રાહુલ ગાંધી તો નથાી જ. તો શું તે પ્રિયંકા ગાંધી વાડ્રા હોઇ શકે છે અને એ વિચાર જો તમારા મનમાં આવ્યો તો તે સાચો પણ હોઇ શકે છે. અહીં કોમ્પિટેટિવ એક્સક્લૂઝન અર્થાત પ્રતિસ્પર્ધીના બહિષ્કારનો સિદ્ધાંત સંપૂર્ણપણે લાગુ થાય છે.

રાહુલ ગાંધી પોતાની મરજીથી નેપથ્યમાં ચાલ્યા ગયા છે અનેં સોનિયા ગાંધી બિમાર રહે છે, ત્યારે એ સ્થિતિમાં સત્તાનું હસ્તાંતરણ પ્રિયંકા ગાંધી વાડ્રાને જ થવાનું છે. રાહુલ અધ્યક્ષપદેથી હટી ગયા અને તેની સાથે જ પક્ષમાં તેમના સાથીઓ અને મિત્રોની વિદાય શરૂ થઇ. કેટલાક પક્ષ છોડી ગયા તો કેટલાકને સાવ કોરાણે મુકી દેવાયા. રાજસ્થાનમાં રાહુલના નજીકના મનાતા અને યુવા નેતા સચિન પાયલટ માટે પણ કંઇક એવા જ કયાસ લગાવવામાં આવી રહ્યા છે. એ ઉલ્લેખનીય છે કે સચિન પાયલટે પણ રાહુલની જેમ જ્યોતિરાદિત્ય સિંધિયાની કોઇ આકરી ટીકા કરી નથી. તેની સામે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે સિંધિયા પર સત્તાલોભી હોવાનો આરોપ મુક્યો હતો.

કોંગ્રેસમાં રાહુલ ગાંધી, જ્યોતિરાદિત્ય સિંધિયા અને સચિન પાયલોટ એ યુવા ત્રિપુટી હતી અનેં 2019ની ચૂંટણી પહેલા તેમાં પ્રિયંકા ગાંધી વાડ્રાની એન્ટ્રી થઇ અનેં તે પછી પરિસ્થિતિ નાટ્યાત્મકરૂપે બદલાતી ગઇ. 2019ની લોકસભા ચૂંટણીમાં પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તરપ્રદેશની 42 બેઠકો અને જ્યોતિરાદિત્ય સિંધિયાને પશ્ચીમ ઉત્તરપ્રદેશની 38 બેઠકોની જવાબદારી સોંપવામાં આવી. જ્યોતિરાદિત્ય પર આ ઉપરાંત મધ્યપ્રદેશની ગુના બેઠક પર ચૂંટણી લડવાની જવાબદારી પણ હતી. ઉત્તરપ્રદેશમાં તેમને જે વિસ્તાર સોંપાયો હતો ત્યાં કોંગ્રેસનું કોઇ સંગઠન હતું જ નહી, જ્યારે પ્રિયંકા પાસે જે વિસ્તારની જવાબદારી હતી ત્યાં કોંગ્રેસ મજબૂત સંગઠન ધરાવતું હતું,

પ્રિયંકાએ યુપીમાં પોતાને સોંપાયેલા વિસ્તારમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર શરૂ કર્યો. આ દરમિયાન તેમણે પક્ષના 4 હજારથી વધુ કાર્યકરો સાથે મીટિંગ કરી પણ તેમાં જ્યોતિરાદિત્ચ સામેલ નહોતા. જ્યોતિરાદિત્ય સમગ્ર લોકસભા ચૂંટણીમાં પોતાના મતવિસ્તાર ગુના અને પશ્ચિમ યુપીના કોંગ્રેસ માટેના બિનઉપજાઉ વિસ્તારમાં પોતાનાથી બનતા પ્રયત્નો કરતાં રહ્યા. પરિણામ એ આવ્યું કે તેઓ પોતાની મધ્યપ્રદેશની ગુના બેઠક તો હારી જ ગયા સાથે જ પશ્ચિમ યુપીમાં તેમનો કોઇ જાદુ ન દેખાયો. આ તરફ પ્રિયંકા પણ કોઇ જાદુ ન જગાવી શકી અને યુપીમાં એકમાત્ર કોંગ્રેસની પરંપરાગત રાયબરેલી સિવાય કોઇ બેઠક તેમના ફાળે ન આવી, ઉલટાનું અમેઠીની બેઠક પણ તેઓ ગુમાવી બેઠા. આ ચૂંટણી દરમિયાન જ જ્યોતિરાદિત્ય અને પ્રિયંકા વચ્ચેની તકરાર શરૂ થઇ હતી.

રાહુલે પાર્ટી છોડી તે પછી ભલે સોનિયા ગાંધી વચગાળાના અધ્યક્ષ બન્યા હોય, પણ એવું માનવામાં આવે છે કે મોટાભાગના નિર્ણયો પ્રિયંકા ગાંધીની જાણકારી હેઠળ લેવામાં આવે છે હવે જો રાહુલ અને સોનિયા પછી જો કોઇને કોંગ્રેસનું સુકાન સોંપવાનું હોય તો તેમાં પ્રિયંકા સિવાય બીજું કોઇ નામ સામે આવતું નથી. હવે પ્રિયંકા પક્ષનું સુકાન સંભાળે તે પહેલા સાફસુફી થાય એ સ્વાભાવિક છે, પણ ભલેને એ સાફસુફીમાં જ્યોતિરાદિત્ય જેવા યુવા નેતાનો ભોગ લેવાઇ જાય. કોંગ્રેસમાં પ્રિયંકાનું પોતાનું એક અલગ ગ્રુપ છે અને તેમાં રાજીવ શુક્લા, માજી મંત્રી શ્રીપ્રકાશ જયસ્વાલ, માજી કેન્દ્રિય મંત્રી ભક્ત ચરણદાસ અને પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહો સમાવેશ થાય છે અને આ તમામ પ્રિયંકાને કોંગ્રેસ અધ્યક્ષ બનાવવાની ઇચ્છા વ્યક્ત કરી ચુક્યા છે.