યૂ-ટ્યૂબ ચેનલ લોન્ચ કરી સિદ્વુુએ રાજકારણમાં કર્યુ કમબેક

પંજાબમાં કોંગ્રેસની સરકાર તેના ત્રણ વર્ષ પૂરા કરવા જઈ રહી છે. આ દરમિયાન અમૃતસરના ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુએ શનિવારે તેમની યુટ્યુબ ચેનલ શરૂ કરી છે. સિદ્ધુએ આ ચેનલ લોકોને તેમના વિચારો શેર કરવા માટે લોન્ચ કરી છે. તેમણે પોતાના પહેલા વીડિયોમાં ગત 27 ફેબ્રુઆરીએ નવી દિલ્હીમાં સોનિયા ગાંધી સાથેની મુલાકાત વિશે જણાવ્યું છે.

સિદ્ધુએ કહ્યું કે આ બેઠક દરમિયાન તેમણે પક્ષના વડાને પંજાબની રાજકીય પરિસ્થિતિ વિશે માહિતી આપી હતી. વીડિયોમાં સિદ્ધુએ કહ્યું હતું કે તેઓ આ ચેનલ દ્વારા લોકો સાથે એકીકૃત વાતચીત કરશે. ‘જીતેગા પંજાબ’ અથવા ‘પંજાબ વિલ વિન’ નામની આ ચેનલ સમાન વિચારધારાવાળા લોકોને પણ તેમના મંતવ્યો શેર કરવા આમંત્રણ આપે છે.

સિદ્ધુના કાર્યાલયએ કહ્યું કે, “આ પંજાબના પુનરુત્થાન અને પુનર્જીવન માટે પ્રેરણા આપવાનું એક મંચ છે.” નવ મહિનાના ચિંતન અને આત્મનિરીક્ષણ પછી પૂર્વ પ્રધાન અને ચાર વખતના સાંસદ અને અમૃતસરના ભૂતપૂર્વ ધારાસભ્ય નવજોત સિંહ સિદ્ધુ પંજાબના સળગતા મુદ્દાઓ પર બોલશે.

તેમણે કહ્યું કે અમે પંજાબના પુનરુત્થાન માટે નક્કર રોડમેપ બનાવવાનો પ્રયાસ કરીશું. સિદ્ધુએ કહ્યું કે ચેનલ બાબા નાનક દ્વારા બતાવેલા વૈશ્વિક ભાઈચારો, સહનશીલતા, પ્રેમ અને શાંતિથી પ્રેરિત છે. જીતેગા પંજાબનો લોગો પંજાબ રાજ્ય પક્ષી ગરુડથી પ્રેરિત છે.

 

સિદ્વુનો વિવાદ પંજાબનાં મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દરસિંહ સાથે મંત્રી તરીકે ખાતાની ફાળવણીના કારણે થયો હતો અને ત્યાર બાદ તેમણે મંત્રી તરીકે રાજીનામું આપી દીધું હતું. એવું પણ સંભળાય છે કે સિદ્વુ આમ આદમી પાર્ટીમાં જોડાઈ શકે છે. આપના સાંસદ ભગવંત માનને આ અંગે એક સંકેત આપ્યો છે.