નાગપુરની હોસ્પિટલમાંથી કોરોનાવાયરસના 5 શંકાસ્પદ દર્દી ફરાર : પોલીસ દ્વારા શોધખોળ જારી

ભારતમાં કોરોનાવાયરસના દર્દીઓની સંખ્યા થોડા દિવસોમાં વધી છે અને તે પછી સરકાર દ્વારા કેટલાક નિર્દેશ અને ગાઇડલાઇન જારી કરાયા છે, તેમજ હોસ્પિટલોમાં દર્દીઓને આઇસોલેશન વોર્ડમાં રાખવામાં આવી રહ્યા છે. ત્યારે મહારાષ્ટ્રના નાગપુરની મેયો હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાંથી કોરોનાનાં પાંચ શંકાસ્પદ દર્દીઓ ભાગી ગયા છે. મોડી રાત્રે બનેલી આ ઘટના બાદ શહેરમાં એલર્ટ જાહેર કરી દેવાયું છે, સાથે જ દર્દીઓની શોધખોળ હાથ ધરાઈ છે. આ બાબતે માહિતી આપતા નાગપુર પોલીસ સ્ટેશનના નાયબ નિરિક્ષક એસ સૂર્યવંશીએ જણાવ્યું હતું કે પાંચમાંથી એકનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જો કે બાકીના ચારના રિપોર્ટ હજુ આવવાના બાકી છે.

અહેવાલો અનુસાર આ ઘટના શુક્રવારે મોડી રાત્રે બની હતી, અને તાત્કાલિક તેમની શોધખોળ શરૂ કરી દેવાામાં આવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ પાંચેય શંકાસ્પદ દર્દીઓ નાસ્તો કરવાના બહાને હોસ્પિટલના વોર્ડમાંથી નીકળ્યા હતા અને તે પછી પાછા ફર્યા નથી. પોલીસે કહ્યું હતું કે આ એક સંવેદનશીલ મુદ્દો છે અને અમે હોસ્પિટલના કર્મચારીઓ સાથે સતત વાત કરી રહ્યા છીએ. આ તમામને હોસ્પિટલમાં નિરિક્ષણ હેઠળ જ રખાયા હતા. નાગપુરમાં કોરોના વાયરસની તપાસમાં કુલ ત્રણ કેસની પુષ્ટિની સાથે મહારાષ્ટ્રમાં આ વાયરસથી ચેપી વ્યક્તિઓની સંખ્યા 17 થઈ ગઈ છે. અધિકારીઓએ આ જાણકારી આપી હતી.

નાગપુરમાં બે દિવસ પહેલા 45 વર્ષીય એક વ્યક્તિમાં ચેપની પુષ્ટિ થઈ હતી, જે બાદ શુક્રવારે તે વ્યક્તિની પત્ની અને મિત્રની તપાસ કરવામાં આવી તો તેમને પણ ચેપ લાગ્યો હોવાની પુષ્ટિ થઈ. આ વ્યક્તિ પોતાની પત્ની અને મિત્રની સાથે ગયા અઠવાડિયે અમેરિકાથી પરત ફર્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે, વ્યક્તિને શહેરની ઈન્દિરા ગાંધી સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, તે વ્યક્તિમાં ચેપની પુષ્ટિ થયા બાદ તેના સંપર્કમાં આવેલા 15 લોકોને નજર હેઠળ રખાયા હતા અને તેમના સેમ્પલ લેબોરેટરીમાં તપાસ માટે મોકલામાં આવ્યા હતા. વ્યક્તિની પત્ની અને મિત્રની અહીંયાની સરકારી હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.