જંબૂસર: કોંગ્રેસના ધારાસભ્યને ફોન પર ધમકી મળી, વિદેશથી કરાયો હતો ફોન

નવ માર્ચના રોજ જંબુસર આમોદ મત વિસ્તારના ધારાસભ્ય સંજય સોલંકી સાંજના સમયે પોતાના ગામ તરફ જઇ રહ્યા હતા ત્યારે તેમના મોબાઇલ પર વિદેશના કોઈ અજાણ્યા ઈસમ દ્વારા કોલ આવ્યો હતો કોલ રીસીવ કરતાની સાથે જ તેમને અપશબ્દો બોલી ધમકી આપી હતી તથા ધાર્મિક લાગણી દુભાઈ તેવા અભદ્ર શબ્દો ઉચ્ચાર્યા હતા જે અંગે ધારાસભ્ય દ્વારા જંબુસર પોલીસ મથકે ફરિયાદ  નોંધાવા પામી હતી.

વિદેશથી ટેલિફોન પર અજાણ્યા ઈસમે ધારાસભ્યને ધમકી આપતા તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યાં જે અનુસંધાને આજરોજ એપીએમસી હોલ ખાતે જંબુસર શહેર તાલુકા કોંગ્રેસી અગ્રણીઓ કાર્યકરો ભેગા થઈ મીટિંગ કરવામાં આવી અને વિદેશથી અજાણ્યા ઈસમે ધારાસભ્યને ટેલિફોનિક ધમકી આપ્યાની ચર્ચાએ જોર પકડ્યું અને તેને એક સાથે સમુહમાં  સખત શબ્દોમાં વખોડવામાં આવી હતી.

મીટિંગમાં પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ પ્રભુદાસ મકવાણા તાલુકા કોંગ્રેસ પ્રમુખ યાદવ, જંબુસર શહેર કોંગ્રેસ પ્રમુખ જાવેદભાઇ તલાટી તાલુકા પંચાયત સદસ્ય મુસ્તાકભાઇ કારભારી લઘુમતી સેલ પ્રમુખ ઇબ્રાહીમ રસુલભાઇ તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.