પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં વધારો, આજે રાતથી પેટ્રોલ-ડીઝલમાં થઈ શકે આટલો તોતીંગ વધારો

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટીમાં ત્રણ રૂપિયાનો વધારો કર્યો. આ વધારો આજ રાતના 12 વાગ્યાથી અમલમાં આવશે. આ નિર્ણય બાદ પેટ્રોલ ડીઝલના ભાવ ત્રણ રૂપિયા પ્રતિ લીટરે વધી જવાની શક્યતા જોવા મળી રહી છે.

શનિવારે પેટ્રોલ અને ડીઝલની એક્સાઈઝ ડ્યુટીમાં પ્રતિ લીટર ત્રણ રૂપિયા વધારો થયો છે. આ ઉપરાંત પેટ્રોલ અને ડીઝલ પરના રોડ સેસ પણ લીટર દીઠ એક રૂપિયા વધારીને 10 રૂપિયા કરવામાં આવ્યા છે. સરકારે એક જાહેરનામું બહાર પાડ્યું અને તેના વિશે માહિતી આપી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક્સાઈઝ ડ્યુટી, વેટ અને ડીલર કમિશન સામેલ છે.

આ નિર્ણયથી અર્થતંત્રની નબળાઇ સાથે સંઘર્ષ કરી રહેલી સરકારને વધારાના ભંડોળ એકત્ર કરવામાં મદદ મળશે. ત્રણ રૂપિયાના વધારા બાદ પેટ્રોલ પર એક્સાઈઝ ડ્યુટી 22.98 રૂપિયા પ્રતિ લીટર થશે. એ જ રીતે ડીઝલ પર એક્સાઇઝ રેટ 15.83 રૂપિયા પ્રતિ લીટરથી વધીને 18.83 રૂપિયા થશે. અધિકારીઓના મતે, સરકાર એક્સાઇઝ ડ્યુટી વધારીને વાર્ષિક 39,000 કરોડ રૂપિયા કમાઇ શકશે.

આંતરરાષ્ટ્રીય તેલ કિંમતોના ઘટાડાથી નફો વધારવાના પ્રયાસમાં સરકારે આ નિર્ણય લીધો છે. સત્તાવાર સૂચનામાં કહેવામાં આવ્યું છે કે પેટ્રોલ પર વિશેષ એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લીટર 2 રૂપિયા વધારીને આઠ રૂપિયા કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર આ ડ્યૂટી 2 રૂપિયા પ્રતિ લીટર વધારીને 4 રૂપિયા કરવામાં આવી છે. વર્તમાન નાણાકીય પરિસ્થિતિમાં માળખાગત સુવિધાઓ અને અન્ય વિકાસ કાર્યો માટે જરૂરી ભંડોળ એકત્ર કરવાના ઉદ્દેશ સાથે આ નિર્ણય લેવામાં આવ્યો છે.