કેન્દ્ર સરકારના એક પગલાંથી ક્રુડ ઓઇલ ભાવ ઘટાડાનો ફાયદો સામાન્ય પ્રજાને મળતા અવરોધાયો

કેન્દ્ર સરકારે ક્રુડ ઓઇલના ભાવમાં થઇ રહેલા મોટા ઘટાડાનો ફાયદો સામાન્ય લોકો સુધી પહોંચે તે પહેલા જ તેને અવરોધતું પગલું ભર્યું છે. ઇન્ટરનેશનલ માર્કેટમાં થઇ રહેલા ભાવ ઘટાડા સામે કેન્દ્ર સરકારે જાતે જ નફો રળી લેવા માટે પેટ્રોલિયમ પેદાશો પરની એક્સાઇઝ ડ્યુટી અને રોડ સેસ મળીને કુલ 3 રૂપિયાનો વધારો કર્યો છે. રશિયા, અમેરિકા, સાઉદી અરેબિયા વચ્ચે એકબીજાથી વધુ ઓઇલ ઉત્પાદન કરવાની લાગેલી હોડમાં ક્રુડ ઓઇલના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો અને તેનાથી પેટ્રોલ ડિઝલના ભાવમાં મોટો ઘટાડો થવાની આશા હતી, જો કે સરકારે પહેલાની જેમ જ આ વખતે પણ તેનો ફાયદો ગ્રાહકોને પહોંચે તે પહેલા પોતાનું ગજવું ભરવાની નીતિ ચાલું રાખી છે.

સરકારે પેટ્રોલ-ડિઝલ પરની એકસાઇઝ ડ્યુટી અને રોડ સેસ વધારી દેતા સામાન્ય લોકો ફાયદાથી વંંચિત

IOCની વેબસાઈટ મુજબ દિલ્હીમાં હાલ પેટ્રોલની કિંમત 68.87 રૂપિયા પ્રતિ લીટર છે. એક્સાઈઝ ડ્યૂટી અને સેસ વધાર્યા બાદ તેમાં 3 રૂપિયાનો વધારો થઈ જશે. સરકાર તરફથી જાહેર કરાયેલા નોટિફિકેશન મુજબ, ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ સસ્તુ હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે અને તે અનુસાર પેટ્રોલ પર સ્પેશિયલ એક્સાઇઝ ડ્યુટી પ્રતિ લિટર 2 રૂપિયા વધારીને 8 રૂપિયા કરી દેવામાં આવી છે. તો ડિઝલ પર પણ તે 2 રૂપિયા વધારીને 4 રૂપિયા કરી દેવામાં આવી છે. આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલ પર લાગતા રોડ સેસમાં પણ પ્રતિ લિટર 1-1 રૂપિયાનો વધારો કરાયો છે.

નિષ્ણાતો જણાવે છે કે આ નિર્ણયથી અર્થવ્યવસ્થામાં આવેલી કમજોરી સામે ઝઝૂમી રહેલી સરકારને વધારાના પૈસા એકઠા કરવામાં મદદ મળશે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં આવેલા ઘટાડાના કારણે સરકાર માટે આ નિર્ણય લેવો સંભવ બન્યો છે. જોકે જોવાનું રહેશે કે હાલમાં જ ક્રૂડની કિંમતોમાં સામાન્ય ઘટાડો કરી રહેલી કંપનીઓ આ વધારાનો બોજ ગ્રાહકો પર નાખશે કે નહી. સરકારે ભલે એક્સાઇઝ ડ્યુટી વઘારી હોય પણ તેનાથી ગ્રાહકો પર પેટ્રોલના ભાવમાં વધારાનું ભારણ નહીં આવે, કારણકે હાલમાં ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડના ભાવમાં મોટો ઘટાડો થયો હોવાથી આ વધારો તેમાં એડજસ્ટ થઇ જશે.

એક લીટર પેટ્રોલની કિંમતમાં લગભગ અડધા પૈસા ટેક્સના રૂપમાં સરકારના ખિસ્સામાં જાય છે. તેમાં કેન્દ્રને પેટ્રોલમાં 19.98 રૂપિયા પ્રતિ લીટર એક્સાઈઝ ડ્યૂટી તરીકે અને ડીઝલમાં 15.83 રૂપિયા પ્રતિ લીટર મળે છે. આ બાદ વેટ આવે છે, જે જુદા જુદા રાજ્યોમાં 6 ટકાથી લઈને 39 ટકા સુધી છે. આ પહેલા 2014-16માં પણ ક્રૂડ ઓઈલના ઈન્ટરનેશનલ માર્કેટમાં ભાવ ઘટ્યા હતા ત્યારે સરકારે તેમાં છૂટ આપવાના બદલે એક્સાઈઝ ડ્યૂટી તરીકે ટેક્સ વસૂલ્યો હતો.