હિરાભાઈ સોલંકી માટે કોળી સેના મેદાનમાં, ભાજપ સમક્ષ મૂકી દીધી આવી માંગણી

ગુજરાત ભાજપના આગેવાન હિરાભાઈ સોલંકી ગુજરાત કોળી સેના પ્રમુખ તરીકે પણ સેવારત છે. તેઓ ભૂતકાળમાં સંસદીય સચિવ પણ રહી ચૂક્યા છે. પક્ષને સમર્પિત રહી ઘણાં સમયથી જાહેર જીવનમાં સક્રિય રહી જનસેવા કરી રહ્યા છે. હિરાભાઈ સોલંકીને તેમના કદ અનુસાર પક્ષમાં પદ આપવાની માંગ ઊઠી છે.

હિરાભાઈ સોલંકીને રાજ્યસભાની ચૂંટણીમાં ઉમેદવાર બનાવવા માટે રજૂઆત કરવામાં આવી હતી પરંતુ એ વાત હવામાં ઓગળી ગઈ છે. હવે કોળી સેના દ્વારા હિરાભાઈ સોલંકીને પ્રદેશ ભાજપ પ્રમુખનું પદ આપવા માટે ગુજરાત કોળી સેના દ્વારા ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા તથા ગુજરાતમાં મુખ્યમંત્રી વિજય રૃપાણી સમક્ષ રજૂઆત કરવામાં આવી છે તેમજ ગુજરાત કોળી સેનાના જામનગર જિલ્લાના મહામંત્રી મનોજભાઈ સિંહોરાની યાદીમાં જણાવાયું છે.

અત્રે નોંધનીય છે કે હિરાભાઈ સોલંકી ભાજપના ઓબીસી નેતા પરષોત્તમ સોલંકીના નાના ભાઈ છે. હાલ પરષોત્તમ સોલંકીની મુંબઈમાં સરવાર ચાલી રહી છે. હિરાભાઈ સોલંકીને ઓબીસી સમાજના પ્રતિનિધિ તરીકે આગળ વધારવા માટે ભાજપના નેતાઓને કોળી સેના દ્વારા રજૂઆત કરવામાં આવી રહી છે.