સ્પીકર પ્રજાપતિએ 22 બળવાખોર ધારાસભ્યોને 15મી માર્ચ સુધી હાજર થવા નોટીસ ફટકારી

મધ્યપ્રદેશમાં કમલનાથ સરકાર ઉપર ચાલી રહેલા સંકટ વચ્ચે વિધાનસભા અધ્યક્ષ એનસી પ્રજાપતિએ ફરીથી 22 બળવાખોર ધારાસભ્યોને 15 માર્ચ સુધી હાજર થવાની નોટRસ ફટકારી છે. અગાઉ વિધાનસભા અધ્યક્ષે બળવાખોર ધારાસભ્યોને જુદી જુદી તારીખે મળવા બોલાવ્યા હતા.

સૂત્રોના જણાવ્યા અનુસાર જો બળવાખોર ધારાસભ્યો નિયત તારીખે સ્પીકરને મળતા નથી, તો સરકાર બહુમતી પરીક્ષણની તારીખ વધુ લંબાવી શકે છે. કારણ કે ધારાસભ્યો માટે નિયમ હેઠળ અધ્યક્ષ સમક્ષ હાજર થવું ફરજિયાત છે.

આ સાથે જ સંસદીય બાબતોના પ્રધાન ગોવિંદસિંહે ધારાસભ્યોના રાજીનામાની તપાસ કરવાની માંગ કરી છે. તેમણે કહ્યું કે બળવાખોર ધારાસભ્યોના રાજીનામાની તપાસ થવી જોઇએ કે તેઓએ કયા સંજોગોમાં આ કર્યું છે. જો તેમના પર કોઈ દબાણ હોય તો તેમનું રાજીનામું રદ કરવું જોઈએ.

તમને જણાવી દઇએ કે શુક્રવારે મુખ્યમંત્રી કમલનાથે ભાજપ પર હોર્સ ટ્રેડીંગનો આરોપ લગાવ્યો હતો. રાજ્યપાલને પત્ર સોંપીને તેમણે ભાજપ વિરુદ્વ ફરિયાદ પણ કરી હતી. તેમણે રાજ્યપાલને અપીલ કરી હતી કે તેઓ ગૃહમંત્રી અમિત શાહને બેંગ્લુરુમાં બંધક ધારાસભ્યોને મુક્ત કરવા માટે જણાવે.