3000 પોઇન્ટના કડાકાથી લોઅર સર્કિટ લાગતા કામકાજ રોકાયા પછી શેરબજારમાં રિકવરી જોવા મળી

કોરોના વાયરસના ફફડાટ વચ્ચે અમેરિકન માર્કેટમાંથી સંકેત લઇને શેરબજારમાં શુક્રવારે ભારે વોલેટિલિટી જોવા મળી રહી છે. સવારે માર્કેટ ખૂલતાની સાથે જ જોરદાર વેચવાલી નીકળતા સેન્સેક્સમાં 3000 પોઈન્ટ્સનો કડાકો બોલાયો હતો અને સેન્સેક્સ 229,687.52ની અને નિફ્ટી 966.10 (10.07%)નીચે જઇને 8,624.05 ની લોઅર સર્કિટ પર પહોંચી ગયા હતા. સેન્સેક્સ અને નિફ્ટી બંને પર લોઅર સર્કિટ લાગતા ટ્રેડિંગ 45 મિનીટ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા બાદ 10.20 કલાકે બજારનું કામકાજ ફરી શરુ થયું હતું. જોકે, તે પછી શેરબજારમાં સેન્સેક્સ અને નિફ્ટી બંનેમાં રિકવરી જોવા મળી હતી.

બીએસઇ બેન્ચમાર્ક સેન્સેક્સ 1500 પોઇન્ટના ઘટાડા સાથે ખુલ્યા પછી તે 2400 પોઇન્ટ નીચે ઉતરી ગયો હતો. તે પછી માત્ર પાંચ મિનીટમાં 3000 પોઇન્ટ નીચે ગબડી ગયા પછી સેન્સેક્સમાં તમામ શેર રેડ ઝોનમાં પહોંચી ગયા હતા. જો કે કામકાજ ફરી શરુ થયા બાદ એક તબક્કે સેન્સેક્સ 1000 પોઈન્ટ્સ જેટલો ઘટ્યો હતો. જોકે, ત્યારબાદ તેમાં રિકવરી જોવા મળી હતી. સવારે 10.50 કલાકે સેન્સેક્સમાં 500 પોઈન્ટ્સનો ઉછાળો નોંધાયો હતો. જોકે, ગણતરીની મિનિટોમાં માર્કેટ પાછું રેડ ઝોનમાં આવી ગયું હતું. ભારે વધઘટને કારણે રોકાણકારો પણ મૂંઝણવણમાં મૂકાઈ ગયા છે. સવારે જ શેર્સમાં 10 ટકાનો કડાકો જોવા મળ્યો હતો તે શેર્સ અચાનક ગ્રીન ઝોનમાં આવી ગયા હતા.

આજે સવારે HDFC ટ્વીન્સ, રિલાયન્સ, બજાજ ફાઈનાન્સ, ઈન્ફોસિસ, ટીસીએસ જેવી બ્લૂચિપ કંપનીઓના શેરમાં પણ ભયાનક કડાકો જોવા મળ્યો હતો. આ શેર્સ પોતાની 52 સપ્તાહની સૌથી નીચલી સપાટી તો ક્યારનીય તોડી જ ચૂક્યા છે, પરંતુ આજે સવારે તો તેમની હાલત પડતા પર પાટું પડ્યું હોય તેવી થઈ ગઈ હતી. જોકે, માર્કેટમાં થોડા સમય માટે કામકાજ સસ્પેન્ડ કરાયા બાદ સ્થિતિ થોડી સુધરી હતી. પરંતુ આ સુધારો કેટલો ટકશે તે અંગે કોઈ કશુંય કહી શકે તેમ નથી.

જાણકારોનું માનીએ તો, માર્કેટમાં હાલ અફરાતફરી ભર્યો માહોલ જોવા મળી શકે છે. કોરોના વાયરસની સ્થિતિ વધુને વધુ ગંભીર બની રહી છે. વધુ દેશો પોતાની બોર્ડર સીલ કરી રહ્યા છે, જેના કારણે વેપાર-ધંધાને વ્યાપક અસર પડવાની શક્યતા છે. જ્યાં સુધી આ સમસ્યાનું કોઈ કાયમી સમાધાન ના આવે ત્યાં સુધી શેરબજારમાં તેની અસર જોવા મળશે.