નરહરિ અમીનની ઉમેદવારી: કોંગ્રેસ નેતા ગૌરવ પંડ્યાનું ટવિટ, લખ્યું” કોઈ પટેલ ઉમેદવાર નથી”

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં ફરી એક વખત મોટું ઘમાસાણ જોવા મળી રહ્યું છે. ભાજપે બે સીટ નહીં પણ ત્રીજી સીટ માટે પણ ઉમેદવાર ઉભો રાખતા કોંગ્રેસીઓ દોડતા થઈ ગયા છે. કોંગ્રેસે હવે તેની બે સીટ બચાવવા માટે આકાશ પાતાળ એક કરવા પડે તેની સ્થિતિ નિર્માણ થઈ રહી છે.

ભાજપે બે ઉમેદવાર તરીકે અજય ભારદ્વાજ અને રમીલાબેન બારાની બે દિવસ અગાઉ જાહેરાત કરી હતી અને આજે ફોર્મ ભરવાના અંતિમ દિવસે જૂના કોંગ્રેસી અને પાછલા કેટલાક વર્ષોથી ભાજપમાં સક્રીય થયેલા અમદાવાદના નેતા નરહરિ અમીનને મેદાનમાં ઉતારતાં જ કોંગ્રેસના રાવણામાં ખળભળાટ મચી ગયો છે.

આ સ્થિતિની વચ્ચે વલસાડ કોંગ્રેસના સિનિયર નેતા અને અહેમદ પટેલના વિશ્વાસુ એવા ગૌરવ પંડ્યાએ ટવિટ કરતાં કોંગ્રેસમાં લખલખું પસાર થઈ ગયું છે. ગૌરવ પંડ્યાએ ટવિટ કરતાં લખ્યું છે કે જો નરહરિ અમીન ભાજપના ત્રીજા ઉમેદાવર બન્યા છે તો કોંગ્રેસને એકજૂટ અને સલામત રાખવી પડકારજનક બની રહેશે. કારણ કે નરહરિ અમીનના કોંગ્રેસમાં અનેક પ્રશંસકો છે. ધારાસભ્યો દ્વારા જાહેરમાં માંગણી કરવામાં આવી હોવા છતાં કોઈ પટેલ ઉમેદવાર નથી.