યસ બેન્કના ખાતેદારો માટે ખુશીના સમાચાર, ત્રણ દિવસ બાદ મરજી મુજબ પૈસા ઉપાડી શકાશે

કેન્દ્ર સરકારના મંત્રીમંડળની બેઠકમાં યસ બેન્કના પુનર્ગઠન યોજનાને મંજૂરી આપવામાં આવી છે. નાણાં પ્રધાન નિર્મલા સીતારામન દ્વારા આ માહિતી આપવામાં આવી છે. મીડિયા બ્રીફિંગ દરમિયાન નિર્મલા સીતારમણે કહ્યું કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા યસ બેંકમાં 49 ટકા શેર ખરીદશે.

તેમણે કહ્યું કે 26 ટકા શેર ત્રણ વર્ષના લોક-ઇનમાં છે. એટલે કે એકવાર ખરીદી કર્યા પછી, આ શેર ત્રણ વર્ષ સુધી વેચી શકાશે નહીં જ્યારે ખાનગી રોકાણકારોને પણ આમંત્રણ અપાયું છે. ખાનગી રોકાણકારો માટે ત્રણ વર્ષની લોક-ઇન અવધિ પણ હશે. દરમિયાન, આઈસીઆઈસીઆઈ બેંકે યસ બેંકમાં 1000 કરોડના રોકાણની જાહેરાત કરી છે. આ રીતે આઇસીઆઈસીઆઈ બેંકનો યસ બેન્કમાં પાંચ ટકા હિસ્સો હશે.

આ સાથે નિર્મલા સીતારામને કહ્યું હતું કે રિ-સ્ટ્રક્ચરિંગ પ્લાનની સૂચના ટૂંક સમયમાં જ જાહેર કરવામાં આવશે. આના ત્રણ દિવસમાં જ યસ બેંક પરના આરબીઆઈના પ્રતિબંધોને દૂર કરવામાં આવશે. આરબીઆઈએ યસ બેંકના બેંક ખાતાધારકોને 50 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા 3 એપ્રિલ, 2020 સુધી નક્કી કરી છે.