ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિતે કોંગ્રેસના શ્વાસ અદ્વર કરી દીધા હતા, આજે કહ્યું” ભાઈ હું ડાંગમાં જ છું”

26મી માર્ચે ગુજરાતમાં રાજ્યસભાની ચાર સીટ માટે ચૂંટણી યોજાવાની છે ત્યારે કોંગ્રેસ માટે મોટી મોકાણ સર્જાણી છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે જૂના કોંગ્રેસી નરહરિ અમીનને મેદાનમાં ઉતારતા જ કોંગ્રેસમાં સળવળાટ શરૂ થઈ ગયો છે. ધારાસભ્યોને તેમના લોકેશન પૂછવામાં આવી રહ્યા છે.

આ બધાની વચ્ચે ડાંગના કોંગ્રેસના ધારાસભ્ય મંગળ ગાવિતનો 24 ક્લાક સુધી સંપર્ક થઈ રહ્યો ન હતો અને કોંગ્રેસીઓ ઘાંઘાં બનીને મંગળ ગાવિતની શોધખોળમાં પડ્યા હતા. મંગળ ગાવિત ક્યાં છે તે માટે ડાંગ ઉપરાંત વલસાડ, નવસારી અને સુરતની કોંગ્રેસ ટીમને કામે લગાડવામાં આવી હતી.

24 ક્લાક બાદ મંગળ ગાવિત ડાંગમાં જ દેખાયા હતા. આજે બપોરે મંગળ ગાવિત સાથે “સમકાલીને” મોબાઈલ ફોન પર વાત કરી હતી. મંગળ ગાવિતે તરત જ ફોન રિસીવ કર્યો હતો અે કહ્યું હતું કે હું ડાંગમાં જ છું અને આજે વઘઈમાં લોકોની સમસ્યાઓ સાંભળી રહ્યો છું. અન્ય તમામ વાતો માત્ર અફવા છે. હું કોંગ્રેસ સાથે જ છું અને કશે ગયો નથી.

આમ મંગળ ગાવિત માટે ચાલેલી અટકળો હાલ પુરતી અફવા સાબિત થઈ છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને છત્તીસગઢ અથવા મહારાષ્ટ્ર મોકલવાની તજવીજ હાથ ધરી છે. હજુ રાજ્યસભાની ચૂંટણી માટે મતદાનની આડે 13 દિવસ બાકી છે ત્યારે કોંગ્રેસ માટે ધારાસભ્યોને સાચવવાનો મોટો પડકાર ઉભો થયો છે.