ઓસ્ટ્રેલિયાના બોલર કેન રિચાર્ડસનમાં કોરોનાના લક્ષણ દેખાતા ટેસ્ટ માટે સેમ્પલ મોકલાયા : ટીમથી અલગ પાડી દેવાયો

ચીનમાંથી પ્રસરેલા કોરોના વાયરસની લપેટમાં વિશ્વ આખું આવી ગયું છે અને હવે કોરોનાવાયરસની એન્ટ્રી રમતજગતમાં પણ થઇ રહી છે. શુક્રવારે ન્યુઝીલેન્ડ સામેંની પહેલી  આ વાયરસના લક્ષણો ઓસ્ટ્રેલિયાના ખેલાડીમાં પણ જોવા મળ્યા છે. ન્યૂઝીલેન્ડ સામેની પ્રથમ વન ડે પહેલા ઓસ્ટ્રેલિયાના ઝડપી બોલર કેન રિચર્ડસનમાં કોરોના વાયરસના લક્ષણો દેખાયા હતા અને તેના કારણે તેને ટીમથી અલગ કરી દેવામાં આવ્યો છે. હજુ તેનો ટેસ્ટ રિપોર્ટ નથી આવ્યો. ટીમ હમણાં જ સાઉથ આફ્રીકાના પ્રવાસથી પરત ફરી છે.

શુક્રવારે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ઓસ્ટ્રેલિયાની ટીમ પહોંચી તો કેન નહોતો. તેણે મેડિકલ સ્ટાફને ગળામાં થોડી ખરાશ હોવાની ફરિયાદ કરી હતી. આ પછી તેના COVID-19 ટેસ્ટ માટે સેમ્પલ લેવામાં આવ્યા છે. કહેવાય છે કે 29 વર્ષના ખેલાડીના રિપોર્ટની રાહ જોવાઈ રહી છે. રિપોર્ટ નેગેટિવ આવશે તો તેને ફરી ટીમમાં સામેલ કરી લેવાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના પ્રવક્તાએ કહ્યું, “અમારો મેડિકલ સ્ટાફ તેની ગળાનું ઈન્ફેક્શન માનીને ઈલાજ કરી રહ્યો છે, પણ અમે ઓસ્ટ્રેલિયા સરકારના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છીએ, જેના કારણે તેને ટીમના અન્ય ખેલાડીઓથી અલગ કરવામાં આવ્યા છે. તેની તપાસ થઈ રહી છે.

ટીમ 14 દિવસ પહેલા વિદેશ પ્રવાસથી પરત ફરી છે. એકવાર અમને ટેસ્ટ રિઝલ્ટ મળી જાય પછી તેને ફરી ટીમમાં સ્થાન આપવામાં આવશે. હમણાં અમે આનાથી વધારે કશું કહી શકીએ તેમ નથી.” ન્યૂઝીલેન્ડ સામે પહેલી વનડેમાં કેનની જગ્યાએ સીન અબોટને સ્થાન આપવામાં આવશે. આજે બન્ને ટીમો વચ્ચે પહેલી વનડે મેચ રમાશે. સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં આ મેચ દર્શકો વગર રમાઈ રહી છે.