રાજ્યસભા ચૂંટણી : ગુજરાતમાં ભાજપે ત્રીજો ઉમેદવાર ઉતારતા કોંગ્રેસ સામે મોટી દુવિધા

ગુજરાતમાં રાજ્યસભાની ચાર બેઠકો માટે થનારી ચૂંટણી માટે ભાજપે પોતાના ત્રીજા ઉમેદવારને મેદાનમાં ઉતારતા હવે આ ચૂંટણી રોમાંચક અને રસપ્રદ બની ગઇ છે. ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે ગુજરાતના માજી નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત યોજના પંચના ઉપાધ્યક્ષ નરહરી અમીનને મેદાનમાં ઉતારીને એક મોટો દાવ રમ્યો છે. આ સ્થિતિમાં કોંગ્રેસ હવે પોતાના બે ઉમેદવારોની પ્રાથમિકતા મામલે ગૂંચવણમાં મુકાઇ શકે છે. હાલના સંખ્યાબળના આધારે ચાર બેઠકોમાંથી ભાજપ અને કોંગ્રેસને બે-બે બેઠકો આસાનીથી મળે તેમ છે. જોકે, ભાજપે ત્રીજા ઉમેદવારની જાહેરાત કરતાં હવે કોંગ્રેસમાં કોઈ તોડફોડ થાય છે કે તેમ તેના પર સૌની નજર ટકેલી છે. પોતાના ધારાસભ્યોને ક્રોસ વોટિંગ કરતાં બચાવવા કોંગ્રેસે પણ કવાયત શરુ કરી દીધી છે.

કોંગ્રેસનો જૂથવાદ અમારા ત્રીજા ઉમેદવારને જીતાડશે એવો નીતિન પટેલને ઇશારો

કોંગ્રેસ દ્વારા ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલને રાજ્યસભા ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે તો સામે પક્ષે ભાજપે રમીલાબેન બારા અને અભય ભારદ્વાજને ઉમેદવાર જાહેર કર્યા હતા. આ પછી ગત મોડીરાત્રે ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે નરહરિ અમીનને પણ ઉતારવાનો નિર્ણય કર્યો હતો. ડે. સીએમ નીતિન પટેલે જણાવ્યું હતું કે, ત્રીજા ઉમેદવારને જીતાડવા ભાજપને 3-4 મતની જ જરુર છે, અને કોંગ્રેસમાં હાલ જે જૂથવાદ ચાલી રહ્યો છે તેનો ભાજપને ફાયદો થવાનો છે. નીતિન પટેલની વાતને પગલે કોંગ્રેસ એલર્ટ થઇ ગઇ છે અનેં પોતાના ધારાસભ્યોને ક્રોસ વોટિંગથી દૂર રાખવા માટેની તૈયારી કરવા માંડી છે.

કોંગ્રેસ માટે માત્ર ક્રોસ વોટિંગ જ નહીં પણ પહેલા ઉમેદવાર તરીકે કોને રાખવો તે પણ દુવિધા

રાજ્યસભાની ચૂંટણીનું મતદાન ન થાય ત્યાં સુધી કોંગ્રેસ દ્વારા ધારાસભ્યોને મહારાષ્ટ્ર કે રાજસ્થાનમાં લઈ જવાનું આયોજન ચાલતું હોવાની પણ જાણકારી મળી રહી છે. આ બંને રાજ્યોમાં હાલ બિનભાજપી સરકાર સત્તા પર છે. મધ્ય પ્રદેશમાં ધૂળેટીએ જે થયું તેનાથી સમસમી ગયેલી કોંગ્રેસ ગુજરાતમાં કોઈ ભાંગફોડ ના થાય તે માટે ખાસ્સી એલર્ટ બની ગઈ છે. કોંગ્રેસ માટે માત્ર દુવિધા એ નથી કે ભાજપની તોડફોડથી કેવી રીતે બચવું, પણ સાથે મોટી દુવિધા એ છે કે પોતાના પહેલા ઉમેદવાર તરીકે કોને મુકવો શક્તિસિંહને કે પછી ભરતસિંહને. જ્યાં સુધી ભાજપે બે ઉમેદવાર જાહેર કર્યા હતા ત્યાં સુધી આ મુદ્દે કોઇ ગૂંચવણ નહોતી પણ ત્રીજા ઉમેદવારની એન્ટ્રી થતાં હવે કોંગ્રેસ માટે મોટી મૂંઝવણ ઊભી થઇ શકે છે.

2017માં ત્રીજો ઉમેદવાર ઉતારવાની ભાજપની ચાલ સફળ નહોતી થઇ

ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ પણ ભાજપના ત્રણેય ઉમેદવારોની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, જુલાઈ 2017માં થયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપે ત્રીજા ઉમેદવાર તરીકે બળવંતસિંહ રાજપૂતને ઉભા રાખ્યા હતા. જોકે, ભાજપની ચાલ સફળ નહોતી ગઈ, અને રાજપૂતનો પરાજય થયો હતો રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે થવાની છે. આ દિવસે જ મતગણતરી પણ થશે, અને સાંજ સુધીમાં પરિણામ જાહેર થઈ જશે. જો ભાજપ અને કોંગ્રેસ દ્વારા 2-2 ઉમેદવારો જ ઉભા રાખવામાં આવ્યા હોત તો વોટિંગ કરવાની નોબત ન આવત. જોકે, હવે ભાજપે ત્રીજા ઉમેદવારને ઉભા રાખતા હવે ચૂંટણી નિશ્ચિત બની છે. જોવાનું એ રહે છે કે નરહરિ અમીનને જીતાડવા માટે ભાજપ કોંગ્રેસના ઉમેદવારો પાસેથી ક્રોસ વોટિંગ કરાવવામાં સફળ થાય છે કે નહીં.

કોંગ્રેસમાં રાજીવ શુક્લાના નામ સામે વિરોધ થતાં ભરત સિંહ સોલંકીનું નામ આવ્યું

કોંગ્રેસ તરફથી ગઈકાલે શક્તિસિંહ ગોહિલ અને રાજીવ શુક્લાના નામ રાજ્યસભાના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યા હતા. જોકે, શુક્લાના નામ પર વિરોધ કરી સ્થાનિકને જ ટિકિટ આપવા દબાણ કરાતા રાજીવ શુક્લાનું નામ પાછું ખેંચી ભરતસિંહ સોલંકીનું નામ જાહેર કરવામાં આવ્યું હતું. રાજીવ શુક્લાનુ નામ જાહેર થતાં સ્થાનિક કોંગ્રેસ કાર્યકરોએ પહેલા બંને નામ સામે વિરોધ દર્શાવીને કહ્યું હતું કે રાજ્યસભાના ઉમેદવાર તરીકે ભરતસિંહ સોલંકી અને અર્જુન મોઢવડિયાને ઉમેદવાર બનાવો, નહીં તો અમે ક્રોસ વોટિંગ કરીશું. અને તેમને પગલે રાજીવ શુક્લાને સ્થાને ભરત સિંહનું નામ આવ્યું હતું. શક્તિ સિંહ સામે પણ સ્થાનિક ધારાસભ્યો નારાજ તો છે જ ત્યારે ક્રોસ વટિંગની સંભાવના વધી જાય છે.