ગુજરાતમાં MPવાળી થશે? શું ભરતસિંહ સોલંકી ભાજપના ઉમેદવાર બનશે? કોંગ્રેસમાં ઘમાસાણ

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ખાસ કરીને જ્યોતિરાદિત્ય સિંધિયાના બળવા બાદ ગુજરાત કોંગ્રેસમાં પણ એમપીવાળી થવાની શક્યતા ઉભી થઈ હોવાનું જાણવા મળી રહ્યુ છે. કોંગ્રસને ધ્રુજારો કરાવતી ઘટનામાં ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ટીકીટ નહીં મળે તો 18થી 20 જેટલા ધારાસભ્યો સાથે ભાજપના ત્રીજા ઉમેદવાર બનાવવામાં આવે તેવી ગરમાગરમ ચર્ચાએ જોર પકડ્યું છે.

ભરત સિંહ સોલંકીના નજદીકી ધારાસભ્યો દ્વારા પક્ષ ને ગર્ભિત ઇશારો કરવામાં આવ્યો છે. આજે દિવસભર દરમિયાન રાજીવ શુકલ અને શક્તિસિંહ ગોહીલને રાજ્યસભામાં મોકલવામાં આવી રહ્યા હોવાની બિનસત્તાવાર જાહેરાત બાદ ભરતસિંહ સોલંકીના ટેકેદારો ગિન્નાયા છે અને તેમણે મોઘમમાં જણાવી દીધું છે કે ગુજરાતમાં પણ એમપીવાળી થઈ શકે છે.

કોંગ્રેસના સૂત્રો મુજબ ભરતસિંહ સોલંકી જ્યોતિરાદિત્ય સિંધિયાના નજીકના મનાય છે. ભરતસિંહને રાજ્યસભાની ટીકીટ આપવામાં નહીં આવે તો ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ધારાસભ્યો સાથે ભાજપમાં ચાલ્યા જાય એવી ભૂકંપવાણી વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાતમાં ઝડપથી બદલાઈ રહેલા રાજકીય સમીકરણો અંગે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ હાઈકમાન્ડને આ અંગે જાણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. આવતીકાલે રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ભરવાની અંતિમ તારીખ છે. ગુજરાત કોંગ્રેસમાં રાજીવ સાતવ અને શક્તિસિંહ ગોહીલના નામ સાથે ભડકો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે.