જ્યાં ક્યારેક પગ મુકવાની જગ્યા નહોતી, તે સ્થળોએ કોરોનાના કારણે સન્નાટો વ્યાપ્યો

વિશ્વભરમાં કોરોના વાયરસે એવો પ્રકોપ ફેલાવ્યો છે કે જેના કારણે લોકોમાં ડરનો માહોલ છે, કેટલાક સ્થળે લોકો પોતાના ઘરમાંથી પણ બહાર નીકળી નથી રહ્યા તો, ઘણાં સ્થળોએ લોકો પોતાનાથી બને તેટલી તકેદારી રાખી રહ્યા છે. ઘણાં દેશોમાં કેટલાક મોટા આયોજનો રદ થયા છે, ઘણી મોટી રમત સ્પર્ધાઓ પણ ક્યાં તો રદ કરી દેવામાં આવી છે અથવા તો તેને હાલ પુરતી સ્થગિત કરી દેવામાં આવી છે. કોરોનાને કારણે વિશ્વભરમાં સ્થિતિ એવી છે કે જ્યાં ક્યારેક પગ મુકવાની પણ જગ્યા મળતી નહોતી તેવા વિસ્તારોમાં હાલ સન્નાટો વ્યાપી ગયો છે અને જ્યાં મોટી સંખ્યામાં લોકો ઉમટતા હતા એવા સ્થળોએ છૂટાછવાયા લોકો દેખાઇ રહ્યા છે.

મક્કામાં ઉમરા કરનારા લોકોની સંખ્યામાં મોટો ઘટાડો

અહીં તમને મક્કાની પવિત્ર મસ્જિદના બે ફોટાઓ જોવા મળે છે અને એ ફોટાઓ જ તમને હકીકત બયાન કરી દે છે. ઉપરનો જે ફોટો છે તે 7 માર્ચ 2020ના રોજ લેવાયેલો છે. જેમાં મસ્જિદના પવિત્ર સ્થળ કાબાની આજુબાજુ ઘણી ઓછી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોવા મળી રહ્યા છે. જ્યારે નીચેનો ફોટો 13 ઓગસ્ટ 2019નો છે, જ્યાં શ્રદ્ધાળુઓનો મહાસાગર ઉમટ્યો હોય તેવી સ્થિતિ છે. કોરોના વાયરસને કારણે સાઉદી અરેબિયાએ આ અઠવાડિયે ઉમરા પર પ્રતિબંધ મુક્યો હતો. ઉમરા દરમિયાન મુસ્લિમ શ્રદ્ધાળુઓ કાબા ફરતે પરિક્રમા કરે છે.

પર્યટકોની રાહમાં ભેંકાર ભાસતો બેંગકોકનો ગ્રાન્ડ રોયલ પેલેસ

જેઓ બેંગકોકના પ્રવાસે ગયા હશે અથવા જેમણે પણ વિશ્વના પ્રસિદ્ધ પર્યટન સ્થળો વિશે વાંચન કર્યું હશે તેમને એ જાણ જ હશે કે બેંગકોકનો ગ્રાન્ડ રોયલ પેલેસનું પર્યટકોમાં કેટલું મહત્વ છે. આ પેલેસને જોવા માટે મોટી સંખ્યામાં લોકો અહીં આવે છે. જો કે હાલ સ્થિતિ એવી છે કે બેંગકોકનો આ ગ્રાન્ડ રોયલ પેલેસ હાલમાં પર્યટકોની રાહમાં જાણે કે ભેંકાર ભાસે છે. થાઇલેન્ડના પર્યટન મંત્રાલયે જણાવ્યું હતું કે ગ્રાન્ડ રોયલ પેલેસ જોવા આવનારા પર્યટકોની સંખ્યા હવે અંદાજે અડધા કરતાં વધુ ઘટી ગઇ છે.

ઇટલીમાં કોરોના ઇફેક્ટને કારણે 25 ટકા લોકો ઘરોમાં બંધ

ઇટલીમાં કોરોનાવાયરસે ઘણો ડર ફેલાવ્યો છે અને ત્યાં પણ કોરોનાવાયરસના દર્દીઓ મોટી સંખ્યામાં મળી આવ્યા છે. કોરોના વાયરસના આ પ્રકોપને કારણે ઇટલીની પ્રજા એવી ડરી છે કે હાલ એવી સ્થિતિ છે કે લોકો ઘરમાંથી બહાર નીકળવાનું વિચારતા સુદ્ધા નથી અનેં ઇટલીની કુલ વસતિના 25 ટકા લોકો પોતોપોતાના ઘરમાં પુરાઇ રહે છે. આ કારણે વેનિસ શહેરનું પ્રસિદ્ધ સેન્ટ માર્કસ સ્કવેર સતત ત્રણ દિવસથી સૂનકારામાં રહ્યું છે. સામાન્ય દિવસોમાં અહીં રોજના 30 હજારથી વધુ પર્યટકો આવે છે.

શોપિંગ માટે પ્રસિદ્ધ ટોક્યોના ગિંજા જિલ્લાના વેરાન થયેલા રસ્તાઓ

જાપાનનું પાટનગર ટોક્યોની મુલાકાતે જેઓ જાય છે તેમને અહીંના શોપિંગ માટે પ્રસિદ્ધ ગિંજા જિલ્લો યાદ જ હશે. શોપિંગ લવર્સ માટે આ સ્થળ ઘણું માનીતું અને જાણીતું છે, જો કે હાલમાં સ્થિતિ એવી છે કે શોપિંગ લવર્સથી ઉભરાતા જાપાનના ગિંજા જિલ્લાના રસ્તાઓ હાલમાં સાવ વેરાન બની ગયા છે. સ્થિતિ તો એવી છે કે ક્યારેક ભીડથી ઊભરાતા આ રસ્તાઓની વચ્ચે હવે દુકાન પણ લાગવા માંડી છે અને તેમને રોકનાર કે ટોકનાર પણ કોઇ નથી. જ્યારે માણસોની સંખ્યા જ સાવ ઓછી થઇ ગઇ હોય તો પછી ગમે ત્યાં દુકાન લગાવો, ખરીદનાર આવશે તો માલ વેચાશે ને.