દક્ષિણ આફ્રિકા સામે આજે પહેલી વન ડે : ન્યુઝીલેન્ડ સામેની હારને ભુલાવી નવી શરૂઆત કરવા ટીમ ઇન્ડિયા આતુર

ન્યૂઝીલેન્ડના પ્રવાસમાં વન-ડે અને ટેસ્ટ સિરીઝમાં વ્હાઈટવોશનો સામનો કરનારી ભારતીય ક્રિકેટ ટીમ ગુરૂવારથી સાઉથ આફ્રિકા સામે શરૂ થઈ રહેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં નવી શરૂઆત કરવા આતુર છે. ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે પ્રથમ મુકાબલો ધરમશાલામાં હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં રમાશે. આ ડે-નાઈટ મેચનું પ્રસારણ બપોરે 1.30 વાગ્યાથી થશે.

કેપ્ટન વિરાટ કોહલીની ટીમ ન્યૂઝીલેન્ડમાં સારો દેખાવ કરવામાં નિષ્ફળ રહી હતી બીજી તરફ સાઉથ આફ્રિકાનું પ્રદર્શન તેનાથી તદ્દન વિપરીત રહ્યું છે. ક્વિન્ટન ડીકોકની આગેવાનીવાળી ટીમે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી ત્રણ મેચની વન-ડે સિરીઝમાં 3-0થી વિજય નોંધાવ્યો હતો. સાઉથ આફ્રિકન ટીમ 2019ના વર્લ્ડ કપ બાદ તમામ ફોર્મેટમાં સાત સિરીઝ બાદ પ્રથમ વખત સિરીઝ જીત્યું છે.

ભારતીય ટીમ માટે સૌથી મોટી રાહતની વાત હાર્દિક પંડ્યાનું કમબેક છે. હાર્દિક પંડ્યા લાંબા સમય બાદ ટીમમાં પરત ફરી રહ્યો છે. તેને લોઅર બેકની સર્જરી કરાવવી પડી હતી અને તેના કારણે તે લાંબો સમય ક્રિકેટથી દૂર રહ્યો છે. જોકે, તાજેતરમાં તેણે વજન પણ વધારી દીધું છે અને પોતાની રમત અને ફિટનેસ પર આકરી મહેનત કરી છે. તેના આગમનથી ટીમ વધારે બેલેન્સ બની છે. હાર્દિક મિડલ ઓર્ડરમાં બેટિંગમાં ઉપયોગી છે તો બોલિંગ પણ મજબૂત બનશે.

યજમાન ભારતને આ સિરીઝમાં તેના સ્ટાર ઓપનર અને ઉપસુકાની રોહિત શર્માની ખોટ સાલશે. રોહિત શર્મા ઈજાગ્રસ્ત છે અને તેથી તે સિરીઝમાં રમી રહ્યો નથી. તેને ન્યૂઝીલેન્ડ સામે રમાયેલી ટી20 સિરીઝ દરમિયાન ઈજા થઈ હતી. જોકે, રોહિતનો સાથી ઓપનર શિખર ધવન કમબેક કરી રહ્યો છે. રોહિતની ગેરહાજરીમાં તેની જવાબદારી વધી જશે. આ ઉપરાંત લોકેશ રાહુલ અને શ્રેયસ ઐય્યરે ન્યૂઝીલેન્ડમાં સારૂ પ્રદર્શન કર્યું હતું અને તેમની પાસેથી પણ શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.