કોરોના વાયરસથી શેબજાર ઉંધા માથે પટકાયું, એક મિનીટમાં રોકાણકારોના 7 લાખ કરોડ ધોવાયા

કોરોના વાયરસને એકતરફ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા રોગચાળો જાહેર કરાયો છે અને તેના કેસ સતત વધતા જઇ રહ્યા છે, સાથે જ તેની ચિંતાથી ભારતીય શેર માર્કેટમાં ભારે કડાકો જોવા મળ્યો. ગુરુવારે માર્કેટ ખુલતાની સાથે જ સેન્સેક્સમાં 1708 પોઈન્ટને જોરદાર કડાકો જોવા મળ્યો હતો, અને માત્ર એક જ મિનીટમાં રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા ધોવાઇ ગયા હતા.  વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને કોરોના વાયરસને ઔપચારિક રીતે વૈશ્વિક મહામારી જાહેર કરી દીધી છે. દેશોએ પોતાની ઈન્ટરનેશનલ બોર્ડર બંધ કરવાનું શરૂ કરી દીધું છે. જેના કારણે અમેરિકી શેર માર્કેટમાં 6 ટકાનો ઘટાડો નોંધાયો છે.

બુધવારે અમેરિકન શેર માર્કેટમાં જોરદાર ઘડાયો જોવા મળ્યો. બેંન્ચમાર્ક ડાઉ જોન્સ 1400 પોઈન્ટ નીચે ગગડ્યો, જેના કારણે એશિયન માર્કેટમાં પણ ઘટાડો જોવા મળ્યો. સિંગાપોર એક્સચેન્જ પર નિફ્ટી ફ્યૂચર્સ લગભગ 4 ટકા સુધી નીચે ગગડ્યો.

ભારતમાં પણ શેર માર્કેટ ખુલતાની સાથે જ 1708 પોઈન્ટનો જોરદાર કડાકો નોંધાયો હતો. આ સાથે જ સેન્સેક્સ 33,989.16 પર પહોંચ્યો હતો. જ્યારે નિફ્ટીમાં 500 પોઈન્ટના ઘટાડા સાથે 9958 પર ખુલ્યો. શેર માર્કેટમાં ભારે ઘટાડા બાદ રોકાણકારોને ફરી રડવાનો વારો આવ્યો હતો. આ પહેલા સોમવારે પણ શેર માર્કેટમાં જોરદાર ઘટાડો નોંધાયો હતો. પરિણામે એક સમયે 42 હજારની સપાટી ક્રોસ કરી કરી ચૂકેલો સેન્સેક્સ હાલ 33,989 સુધી પહોંચી ગયો છે.

બીજી તરફ કોરોના વાયરસને રોકવા માટે અમેરિકાએ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અમેરિકાએ એક મહિના માટે બ્રિટનને છોડીને બાકી યુરોપીયન દેશોની યાત્રા પર પ્રતિબંધ લગાવી દીધો છે. જોકે અમેરિકન ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું હતું કે હજુ ફાઈનાન્સિયલ ક્રાઈસિસ જેવી સ્થિતિ નથી. કોરોનાના કારણે અત્યાર સુધીમાં લગભગ 4300 લોકોના મોત થયા છે.