ગુજરાત રાજ્યસભાની ચૂંટણી: રાજીવ શુકલા અને શક્તિસિંહ ગોહીલને ટીકીટ?

ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસે બે ઉમેદવાર ઉભા રાખે તેવી શક્યતા છે. લાંબી મથામણ બાદ કોંગ્રેસે આજે ઉમેદવારોની જાહેરાત કરી શકે છે. આમ તો કોંગ્રેસના એક સાંસદ ફારેગ થઈ રહ્યા છે પણ કોંગ્રેસે બે ઉમેદવાર ઉભા રાખવાની અટકળોએ ભાજપની છાવણીમાં ટેન્શન જરૂર વધારી દીધું છે.

વર્તમાન સાંસદ મધુસુદન મિસ્ત્રીને રિપીટ કરવામાં આવે તેવી શક્યતા ઓછી છે. મધુસુદન મિસ્ત્રીની ટીકીટ કાપી નાંખી કોંગ્રેસે આશ્ચર્યકારક બની રહેશે. ગઈ રાત્રે એવું મનાતું હતું કે ગુજરાત કોંગ્રેસના પ્રભારી રાજીવ સાતવને ગુજરાતમાંથી રાજ્યસભામાં મોકલવામાં આવે. આ ઉપરાંત પ્રિયંકા ગાંધીના નામની અટકળો પણ ચાલી હતી. પરંતુ કોંગ્રેસ વરિષ્ઠ નેતા રાજીવ શુકલાને ટીકીટ આપવાની ચર્ચા ચાલી રહી છે અને તેમની સાથે કોંગ્રેસના પ્રવક્તા શક્તિસિંહ ગોહીલને પણ મેદાનમાં ઉતારવાની રણનીતિ તૈયાર કરવામાં આવી રહી છે.

રાજીવ શુકલા આઈપીએલના ચેરમેન છે અને તેઓ રાજ્યસભામાંથી ફારેગ થઈ ગયા છે. કોંગ્રેસે તેમને રાજ્યસભામાં મોકલવા માટે ગુજરાતની પસંદગી કરી છે. જ્યારે શક્તિસિંહ ગોહીલ હાલ બિહાર સહિત રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસના પ્રવક્તાની જવાબદારી નિભાવી રહ્યા છે. આમાં મહત્વનું એ છે કે અન્ય કેટલાક નામો હતા પણ તેમને પણ કોરાણે મૂકવામાં આવી રહ્યા છે અને નો રિપીટ કરીને કોંગ્રેસે બે ઉમેદવાર ઉભા રાખવાની ચર્ચા ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં મોટું ટર્ન આણશે એવું લાગી રહ્યું છે.