કોરોનાના કારણે ચીકનનાં ભાવમાં થયો ભારે ઘટાડો, ખરીદવા લોકો કરી રહ્યા છે પડાપડી

ગુજરાત સહિત દેશમાં કોરોના વાયરસનો ખોફ જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં હાલ કોરોનાને લઈ ચિંતા નથી તેનું સરકાર જણાવી રહી છે અને અગમચેતીના તમામ પ્રકારના પગલા ભરવામાં આવી રહ્યા હોવાનું જણાવવામાં આવી રહ્યું છે ત્યારે કોરોનાનાં કારણે ચીકન પર તવાઈ આવી છે.

મરધા ફાર્મમાં ચીકનનો ભરાવો જોવા મળે છે અને સરકારે અગમચેતીના પગલા તરીકે મરઘાનો વહેલાસર નિકાલ કરવાનું જણાવ્યું હોવાથી ચીકન માર્કેટમાં મરઘાના મટનનો ભાવ સાવ જ તળીયે પહોંચી ગયો છે. ચીકનના ભાવમાં 50 ટકા કરતાં પણ વધુ ઘટાડો જોવા મળી રહ્યો છે. જે ચીકનનો ભાવ પ્રતિ કિલો 120થી 140 રૂપિયા હતો તે આજે ઘટીને 40થી 50 રૂપિયે કિલો પહોંચી ગયો છે.

લોકો ચીકન ખરીદવા માટે પડાપડી કરી રહ્યા છે. ચીકનની દુકાનો પર મોટા મોટા ઓર્ડર સાથે લોકો ચીકન ખરીદી રહ્યા છે. દુકાનદારના જણાવ્યા મુજબ હાલ જે ભાવ છે તે અત્યાર સુધીનો સૌથી નીચા લેવલનો ભાવ છે. ભારે ઘટાડો કરવામાં આવ્યો છે. મરઘાનો તાત્કાલિક નિકાલ કરવા માટે સરકાર દ્વારા નવો હુકમ આવે તે પહેલાં સ્ટોકના માલને વેચવામાં આવી રહ્યો છે. દેશમાં કેટલીક જગ્યાએ મરઘાનો નિકાલ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે ત્યારે સ્ટોકને પુરો કરવા માટે સસ્તા ભાવે પણ ચીકન વેચવામાં આવી રહ્યું છે.

દુકાનદારે કહ્યું કે આ ડર કોરોના વાયરસના કારણે ઉભો થયો છે અને એટલે જ ભાવમાં ઘટાડો કરી સ્ટોકમાં રહેલા માલને ઓછા ભાવે વેચવાનું નક્કી કરવામાં આવ્યું છે.