કોરોનાને કારણે શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી : સેન્સેક્સની 2500 પોઇન્ટની ગુલાંટ

કોરોનાવાયરસને કારણે વ્યાપેલા વૈશ્વિક ગભરાટની વચ્ચે વિશ્વની સાથે જ ભારતના શેરબજારમાં પણ હાહાકાર મચ્યો છે. ગુરૂવારે બજાર ખુલતાની સાથે 1200 પોઇન્ટ નીચે ઉતરી ગયો હતો અને તે પછી થોડી જ વારમાં તે 1700 પોઇન્ટ નીચે જતો રહ્યો હતો. હજુ પણ માક્રેટમાં રિકવરીની કોઇ આશા દેખાતી નથી અને ઘટાડાનો દોર ચાલુ જ છે, આ લખાય છે ત્યારે બીએસઇ સેન્સેક્સ 2500 પોઇન્ટ ડાઉન છે, આ ઘટાડો એટલો ઝડપી રહ્યો છે કે માત્ર એક મિનીટના ગાળામાં રોકાણકારોના 7 લાખ કરોડ રૂપિયા સ્વાહા થઇ ગયા હતા.

બજારના જાણકારો રોકાણકારોમાં વ્યાપેલા આ ગભરાટનું કારણ કોરોના વાયરસને ગણાવી રહ્યા છે. તેમના મતે કોરોનાવાયરસે વિશ્વભરમાં પોતાનો પ્રકોપ વધુ ઘેરો બનાવ્યા પછી તેની સામે લડવા માટે ઉઠાવાતા અગમચેતીના પગલાંઓને કારણે બજારમાં ડર ફેલાયો છે. કોરોનાને ડર ઉપરાંત ઇન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવમાં થઇ રહેલો સતત ઘટાડાને કારણે વૈશ્વિક મંદીની આશંકા જણાઇ રહી છે. જેના કારણે માર્કેટમાં વેચાવલીનું દબાણ ઊભું થયું છે. આજે સવારથી જ શેરબજારમાં સાર્વત્રિક વેચવાલી જોવા મળી હતી. આજે સવારથી જ મેટલ, રિયલ્ટી, પાવર, ઓઈલ-ગેસ, ઓટો, બેન્ક, કેપિટલ ગૂડ્ઝ શેરોમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સવારે તમામ સેક્ટોરલ ઈન્ડાઈસિસ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે 9.30 વાગ્યે BSE સેન્સેક્સ 1701.18 પોઈન્ટ્સ અથવા 4.77 ટકા ગગડીને 33,996.22 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેંજનો નિફ્ટી પણ 502.90 પોઈન્ટ્સ અથવા 4.81 ટકા ઘટીને 9,955.50 પોઈન્ટ્સની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 5.76 ટકા અને 6.24 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.

આજે સવારે ઘટીને ટ્રેડ થઈ રહેલા મુખ્ય શેરોમાં ટાટા સ્ટીલ 8.52 ટકા, ONGC 8.16 ટકા, SBI 7.06 ટકા, એક્સિસ બેન્ક 7.05 ટકા, ટેક મહિન્દ્રા 5.88 ટકા, ઈન્ફોસીસ 5.84 ટકા, M&M 5.77 ટકા, બજાજા ફાઈનાન્સ 5.71 ટકા અને રિલાયન્સ 5.59 ટકાનો સમાવેશ થાય છે. ગઈકાલે વોલસ્ટ્રીટમાં ભારે કડાકા બાદ આજે સવારથી જ એશિયાના બજારોમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. આજે સવારે જાપાનનો નિક્કાઈ ઈન્ડેક્સ 4.2 ટકા, દક્ષિણ કોરિયાનો કોસ્પી 3.8 ટકા, હોંગકોંગનો હેંગસેંગ ઈન્ડેક્સ 3.5 ટકા અને શાંઘાઈ કમ્પોઝિટ ઈન્ડેક્સ 1.1 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા.