કોરોના વાયરસ કરતાં વધુ ઘાતક હતી સ્પેનિશ ફ્લુ બિમારી, આટલા કરોડના મોત થયા હતા

વિશ્વભરના અલગઅલગ દેશોમાં કોરોના વાયરસના કારણે હેલ્થ ઈમરજન્સી જેવી સ્થિતિ ઊભી થઈ છે. મોટી સંખ્યામાં તેના કારણે મોત થયા છે તો ભારતમાં પણ 60થી વધારે કોરોનાના કેસ સામે આવ્યા છે. કોરોના વાયરસ પહેલા દુનિયામાં એક ફ્લૂએ કહેર મચાવ્યો હતો, જેનું નામ હતું સ્પેનિશ ફ્લૂ. જાણો, સ્પેનિશ ફ્લૂ વિશે. તેની શરૂઆત ક્યાંથી થઈ હતી અને તે દુનિયામાં ફેલાયો કેવી રીતે?.

સ્પેનિશ ફ્લુ ક્યાંથી, ક્યારે અને કેવી રીતે ફેલાયો?

અમેરિકામાં સ્પેનિશ ફ્લૂની શરૂઆતી મામલો 1918માં સામે આવ્યો હતો. અત્યારની જેમ તે સમયે દુનિયાના દેશો જોડાયેલા નહોતા. સમુદ્રી માર્ગોથી જ એક દેશમાંથી બીજા દેશમાં જવાતું હતું. તેમ છતાં આ બીમારી જોરદાર ફેલાઈ. લગભગ બે વર્ષ સુધી તેણે કહેર વરસાવ્યો. એવું કહેવાય છે કે આ બીમારીની શરૂઆત સૈનિકોથી થઈ હતી. તે સમયે પહેલું વિશ્વ યુદ્ધ ચાલી રહ્યું હતું. સૈનિકોના બંકરોની આસપાસ ગંદકીના કારણે બીમારી તેમનામાં ફેલાઈ અને જ્યારે તેઓ પોતપોતાના દેશ પાછા ફર્યા તો બીમારીએ વિકરાળ રૂપ ધારણ કર્યું.

સ્પેનિશ ફ્લૂની શરૂઆત અંગે ઇતિહાસકારોના અલગઅલગ મત

સ્પેનિશ ફ્લૂની શરૂઆત ક્યાંથી થઈ તેને લઈને ઈતિહાસકારોના અલગ-અલગ વિચાર છે. કેટલાકનું માનવું છે કે ફ્રાંસ અથવા અમેરિકા સ્થિત બ્રિટિશ આર્મીના બેસથી તેની શરૂઆત થઈ હતી. હાલમાં જ એક નવી થીયરી સામે આવી છે જેમાં ચીનને જવાબદાર ગણવામાં આવ્યું છે. આ થીયરી પ્રમાણે, સ્પેનિશ ફ્લૂની શરૂઆત વર્ષ 1917ના અંતમાં ઉત્તરી ચીનમાં થઈ. ત્યાંથી તે બીમારી પશ્ચિમી યૂરોપમાં ફેલાઈ કારણ કે ફ્રાંસ અને બ્રિટનની સરકાર મજૂરી કામ માટે 1 લાખ કરતાં વધારે ચીની મજૂરોને નોકરી પર રાખ્યા હતા. તે મજૂરોની સાથે આ બીમારી યૂરોપ પહોંચી.

પોતાના ભણી શંકા ન થાય તે માટે પશ્ચીમી દેશો સ્પેનિશ ફ્લુ નામ આપ્યું

આ સવાલ થવો સ્વાભાવિક છે કે આ બીમારીની શરૂઆત સ્પેનથી નથી થઈ તો પછી તેનું નામ સ્પેનિશ ફ્લૂ કેવી રીતે પડ્યું. તેનું કારણ એ છે કે પહેલા વિશ્વયુદ્ધમાં સ્પેન તટસ્થ હતું. તેણે પોતાને ત્યાં ફેલાયેલી બીમારીને છુપાવી નહીં. બીજી તરફ પહેલા વિશ્વયુદ્ધમાં ભાગ લઈ રહેલા દેશોએ આ ખબરને તે વિચારીને દબાવી કે તેનાથી સૈનિકોનું અથવા લોકોનું મનોબળ તૂટી જશે. સાથે જ તેઓ પોતાના દુશ્મનોની નજરમાં નબળા દેખાવા નહોતા માગતા. સાથે જ પશ્ચિમી દેશોના મીડિયાએ તેને સ્પેનિશ ફ્લૂ કહીને પ્રચલિત કર્યુ જેથી તેમના તરફ શંકાની સોઈ રાખવામાં ન આવે.

કેટલા લોકોનાં થયા હતા મોત?

સ્પેનિશ ફ્લૂના કારણે મૃત્યુ પામનાર લોકો વિશે અલગ-અલગ અનુમાન છે. તે અનુમાન પ્રમાણે, તે સમયે લગભગ 3 કરોડથી 5 કરોડ લોકોના મોત થયા હતા. જો કે ઇતિહાસમાં સ્પેનિશ ફ્લુથી પણ ઘણી ખતરનાક બિમારીઓ આવી ગઇ હતી, જેમાં સૌથી ખતરનાક બિમારી તરીકે ઇન્ફ્લુએન્ઝાનું નામ લેવામાં આવે છે. જો કે તેમાં કેટલા લોકો માર્યા ગયા હતા તેનો કોઇ ચોક્કસ આંકડો જાહેર કરાયો નથી પણ તે છતાં ઇન્ફ્લુએન્ઝાને સૌથી ઘાતક ગણવામાં આવી રહી છે. આ ઉપરાંત જે અલગ અલગ ફ્લુને કારણે લોકોમાં ડર ફેલાયો હતો તેમાં નીચે જણાવેલી બિમારીઓનો સમાવેશ થાય છે.

  • ઇન્ફ્લુએન્ઝાથી બે દશકા પહેલા રશિયન ફ્લૂ (1889-1894)એ લગભગ 10 લાખ લોકોને ચપેટમાં લીધા હતા
  • 1957થી 1958 સુધી ફેલાયેલા એશિયન ફ્લૂમાં 15 લાખથી 40 લાખ લોકોના મોત થયાનું અનુમાન છે
  • 1968થી 1969 સુધી ફેલાયેલા હોન્ગ કોન્ગ ફ્લૂમાં લગભગ 10 લાખથી 40 લાખ લોકોના મોતનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે.

સ્પેનિશ ફ્લૂ અને કોરોના વાયરસ વચ્ચેનું અંતર

  • કોવિડ 10 કોરોના વાયરસથી ફેલાયો છે જ્યારે સ્પેનિશ ફ્લૂ અને અન્ય ઈન્ફ્લૂએન્ઝાનું કારણ ઈન્ફ્લુએન્ઝા વાયરસ હતો.
  • કોરોના વાયરસથી અત્યારસુધીમાં સૌથી વધારે મોત મોટી ઉંમરના લોકો અથવા પહેલાથી કોઈ બીમારીથી પીડિત લોકોના થયા છે જ્યારે સ્પેનિશ ફ્લૂએ જવાનો અને નવજાત બાળકોને નિશાન બનાવ્યા હતા.