બે મહિનામાં પેટ્રોલના ભાવમાં થયો કુલ આટલા રૂપિયાનો ઘટાડો, જાણો આજનો ભાવ

સાઉદી અરેબિયાના ક્રુડ ઓઇલ પ્રાઇસ વોર ઉપરાંત વિશ્વભરમાં કોરોનાવાયરસને  કારણે વ્યાપેલા ડરથી આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ક્રુડ ઓઇલના ભાવ 30 ટકા જેટલા નીચે ગબડી પડ્યા છે. જોકે મંગળવારે તેમાં થોડી તેજી દેખાઈ છે. જોકે આ અસમંજસની સ્થિતિમાં ભારતમાં આજે પેટ્રોલના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. માર્ચના પ્રાથમિક 10 દિવસમાં જ પેટ્રોલના ભાવ કુલ 1.60 રુપિયા ઘટી ગયા છે જ્યારે ડીઝલ 1.50 રુપિયા ઘટ્યું છે.

બુધવારે સુરતમાં પેટ્રોલનો ભાવ 67.72 રૂ. અને ડિઝલનો ભાવ 65.87 રૂ. છે, જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 67.11 રુપિયા અને ડીઝલનો ભાવ 65.94 રુપિયા પ્રતિ લિટર છે. ગત 13 જાન્યુઆરી 2020ના રોજ સુરતમાં પેટ્રોલનો ભાવ 73.06 રૂપિયા હતો એ હિસાબે એક મહિનામાં પેટ્રોલના ભાવમાં 6 રૂપિયા જેવો ઘટાડો થયો છે. 2020ની શરુઆતથી અત્યાર સુધીમાં સુરતમાં પેટ્રોલના ભાવ કુલ 5.22 રુપિયા અને ડીઝલના ભાવ 6.23 રુપિયા જેટલા ઘટી ગયા છે. જે સાથે પેટ્રોલ-ડીઝલના ભાવ 8-9 મહિનાના સૌથી નીચલા સ્તરે પહોંચી ગયા છે. ગત 27 ફેબ્રુઆરીથી પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત ઘટાડો થઈ રહ્યો છે.

પેટ્રોલ-ડીઝલના ભાવમાં એક સાથે મોટો ઘટાડો નથી આવતો. કેમ કે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ 15 દિવસના બેંચમાર્ક રેટ્સના ભાવ પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ભાવ નક્કી કરે છે. તેમજ કરન્સી માર્કેટમાં પાછલા દિવસોના ઉતાર-ચઢાવને પણ ધ્યાને રાખીને નક્કી કરવામાં આવે છે. ઓપેક દેશોએ કોરોના વાયરસના કારણે ઘટતી માગને ધ્યાને રાખીને ઉત્પાદનમાં ઘટાડાની માગ કરી હતી. પરંતુ રશિયા ન તૈયાર થતા સાઉદી અને રશિયા વચ્ચે ક્રુડ ઓઇલના ભાવને લઈને પ્રાઇસ વોર છેડાઈ ચૂકી છે. જેના કારણે સોમવારે ક્રુડ ઓઇલના ભાવ એક જ સાથે 31 ટકા જેટલા ઘટી ગયા હતા. પરંતુ મંગળવારે તેમાં 8 ટકાની રિકવરી પણ જોવા મળી હતી. જોકે આંતરરાષ્ટ્રીય બજારમાં પેટ્રોલના તૂટતા ભાવ અને દેશમાં પેટ્રોલના ભાવને લઈને કોંગ્રેસે કેન્દ્રની ભાજપ સરકાર પર હુમલો કર્યો છે. મધ્યપ્રદેશમાં કોંગ્રેસે રાજકીય હારનો સામનો કર્યા બાદ રાહુલ ગાંધીએ પણ ટ્વિટ કરીને મોદી સરકારને રાજનીતિની જગ્યાએ પેટ્રોલના ભાવ પર નજર રાખવા માટે કહ્યું છે.