કોરોના ઇફેક્ટ : મહારાષ્ટ્રમાં સ્થગિત થઇ શકે છે આઇપીએલ મેચ

ચીનમાં કોરોનાવાયરસનો આંતક ફેલાયા પછી આખા વિશ્વમાં તેને લઇને એક મોટો ડર પેસી ગયો છે. ભારતમાં પણ કોરોનાવાયરસના 60 દર્દી મળી આવ્યા છે. આ બિમારીને કારણે વિશ્વભરમાં રમત જગત પણ પ્રભાવિત થયું છે અને હવે દેશની સૌથી મોટી ટી-20 લીગ એવી આઇપીએલ પર પણ તેની અસર પડવાનું જોખમ તોળાયું છે. બીસીસીઆઇ પોતાની આ પ્રતિષ્ઠિત લીગને ટાળવાના મુડમાં ભલે ન હોય પણ રાજ્ય સરકારો તેને ટાળવા અંગે ગંભીરતાથી ચિંતન મનન કરી રહી છે.

મહારાષ્ટ્ર સરકારની બુધવારે મળનારી કેબિનેટ મીટિંગમા આઇપાીએલની મેચીસને પોતાના રાજ્યમાં સ્થગિત કરવાનો મોટો નિર્ણય લઇ શકે છે. આ વખતે 29 માર્ચથી શરૂ થનારી આઇપીએલની પહેલી મુંબઇ ઇન્ડિયન્સ અને ચેન્નઇ સુપર કિંગ્સ વચ્ચે વાનખેડે સ્ટેડિયમ પર રમાવાની છે. મહારાષ્ટ્રમાં કોરોનાવાયરસના 5 કેસ મળ્યા પછી હવે રાજ્ય સરકારે આઇપીએલના આયોજન અંગે પુનર્વિચારણા કરવાનો નિર્ણય કર્યો છે.

આજની કેબિનેટ બેઠકમાં રાજ્યમાં યોજાનારી આઇપીએલની મેચોને સ્થગિત રાખવા અંગે ચર્ચા કરવામાં આવે તેવી સંભાવના છે. મહારાષ્ટ્રમાં આઇપીએલની મુખ્ય ફ્રેન્ચાઇઝી મુંબઇ ઇન્ડિયન્સની 7 મેચની યજમાની મુંબઇ શહેરમાં થવાની છે અને તે પછી ફાઇનલ મેચ પણ મુંબઇમાં જ યોજાવાની છે. ત્યારે મહારાષ્ટ્ર સરકારની કેબિનેટ બુધવારે શું નિર્ણય લે છે તેના પર બધાની મીટ મંડાઇ છે.