આખરે જ્યોતિરાદિત્ય સિંધીયાએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો

18 વર્ષ સુધી લાગલગાટ કોંગ્રેસમાં રહ્યા બાદ મધ્યપ્રદેશના કદાવર નેતા જ્યોતિરાદિત્ય સિંધીયાએ ભાજપનો ભગવો ખેસ ધારણ કર્યો છે. દિલ્હીમાં ભાજપના હેડ ક્વાર્ટસ પહોંચ્યા બાદ સિંધીયાએ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ જેપી નડ્ડાને મળ્યા હતા અને સિંધીયા સાથે મુલાકાત કરી હતી.

જેપી નડ્ડાએ સિંધીયાને ભાજપની મેમ્બરશીપની રસીદ આપી હતી અને ભાજપનો ખેસ ધારણ કરાવ્યો હતો. સિંધીયાનું સ્વાગત કર્યું અને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા. ત્યાર બાદ નડ્ડાએ સિંધીયાના ભાજપમાં સામલે થવાની જાહેરાત કરી હતી. જેપી નડ્ડાએ રાજમાતા વિજયારાજે સિંધીયાને યાદ કર્યા હતા.

મધ્યપ્રદેશની રાજનીતિમાં ગરમાટો આવી ગયો અને મધ્યપ્રદેશની કમલનાથ સરકાર પર સંકટ તોળાઈ રહ્યું છે. સિંધીયાની વર્તમાન 6 મંત્રી સહિત 22 ધારાસભ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. સિંધીયાના ભાજપ પ્રવેશથી મધ્યપ્રદેશમાં કોંગ્રેસ માટે મોટો ખતરો ઉભો થઈ ગયો છે.

ભાજપે પોતાના ધારાસભ્યોને ગુડગાંવના માનેસર મોકલી આપ્યા છે જ્યારે કોંગ્રેસે પોતાના ધારાસભ્યોને જયપુર મોકલી આપ્યા છે. કોંગ્રેસના બાગી ધારાસભ્યોને બેંગ્લુરુ ખાતે રાખવામાં આવ્યા છે. આમ ત્રણેય તરફ ખેંચતાણ શરૂ થઈ છે. દડો સીધી રીતે મધ્યપ્રદેશ વિધાનસભાના સ્પીકરના હાથમાં છે. સ્પીકર ફ્લોર ટેસ્ટ માટે ક્યારે સત્ર બોલાવે છે તે મહત્વનું છે.

જ્યોતિરાદિત્ય સિંધીયા કોંગ્રેસ સરકારમાં બે વાર મંત્રી રહી ચૂક્યા છે. લોકસભાની 2019ની ચૂંટણી હારી ગયા હતા. કમલનાથ સરકારમાં સિંધીયાના 6 ધારાસભ્યો મંત્રી બનાવવામાં આવ્યા હતા.