એલઆરડી મહિલા ઉમેદવારોનુ્ં પરિણામ ધુળેટીની મોડી રાત્રે જાહેર કરાયું : વાંધો હોય તે રજૂઆત કરી શકશે

વારંવાર વિવાદોમાં રહેલી લોકરક્ષક દળ (LRD)ની પરીક્ષાનું પરિણામ ફરીથી જાહેર કરવામાં આવ્યું છે. એલઆડી મહિલા ઉમેદવારોનું આ પરિણામ ધૂળેટીની મોડી રાત્રે ભરતી બોર્ડની વેબસાઇટ પર જાહેર કરવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર દ્વારા 5562 મહિલા ઉમેદવારોનું પરિણામ જાહેર કરવાની સાથે એમ પણ જણાવવામાં આવ્યું છે કે જેઓને પરિણામ સામે કોઈ વાંધો હોય તેઓ બોર્ડને રજૂઆત કરી શકે છે. આ પરિણામ રાત્રે 2.00 વાગ્યાની આસપાસ બોર્ડની વેબસાઇટ પર મુકવામાં આવ્યું હતું.

ગત વર્ષે ડિસેમ્બરમાં LRDનું પરિણામ જાહેર થયા બાદ તેની સામે હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી અને જેના કારણે 10 ડિસેમ્બરના પરિણામમાં કેટલાક સુધારા-વધારા સાથે ફરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં અનામત વર્ગમાં આવતી ઉચ્ચ મેરિટવાળી મહિલા ઉમેદવારોની જનરલ મેરિટમાંથી બાદબાકી કરાઈ હતી. જેની સામે વિરોધ નોંધાવતા રાજ્યભરમાંથી અનામત વર્ગની મહિલા ઉમેદવારો હાલ ગાંધીનગરમાં ધરણાં પર ઉતરી હતી. તો તેની સામે બિન અનામત વર્ગની મહિલા ઉમેદવારો પણ ધરણા પર બેઠી હતી. મીડિયા રિપોર્ટ્સ મુજબ આ પરિણામ બોર્ડની વેબસાઈટ પર મોડી રાત્રે બે વાગ્યે જાહેર કરવામાં આવ્યું હતું. એલઆરડી પરીક્ષા તેના પરિણામ અને આંદોલનના કારણે વારંવાર ચર્ચામાં રહી છે.

હાઈકોર્ટમાં અરજી થયા પછી સરકારે ફરીથી યોગ્ય નિર્ણય લઈને પરિણામ જાહેર કરવા માટે જણાવવામાં આવ્યું હતું. જેના આધારે ફરી પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. જો આ પરિણામ સામે કોઈ ઉમેદવારને વાંધો હોય તો તેઓ 11 માર્ચથી એટલે આજથી 14 માર્ચ સુધીના દિવસમાં આ અંગે પોતાની રજૂઆત કરી શકે છે. આ પછી ઉમેદવારોના પ્રમાણપત્રોની ચકાસણી કર્યા પછી તેમણે ફરજ પર નિયુક્ત કરવામાં આવશે. જો આ દરમિયાન કોઈ ઉમેદવારના પ્રમાણપત્રમાં વાંધો જણાવશે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે.