ટીકટોક વીડિયોના કારણે મહેસાણાની આ મહિલા કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરાઈ હતી, હવે બની ગઈ છે સ્ટાર

દુનિયામાં કોનું નસીબ ક્યારે ચમકી જાય છે તે કોઈ પણ કળી શકે એમ નથી. આવું જ કંઇક બન્યું છે ગુજરાત પોલીસની કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરી સાથે.થોડા દિવસો પહેલા ગુજરાત પોલીસની મહિલા કોન્સ્ટેબલને મહિલા પોલીસ સ્ટેશનમાં ટીકટોક વીડિયો બનાવવા બદલ સસ્પેન્ડ કરાઈ હતી. પરંતુ તેને શું ખબર હતી કે જે વીડિયોને કારણે તેને સસ્પેન્ડ કરવામાં આવી છે તેનાથી તેમનું જીવન બદલાઈ જશે.

ટીકટોક વીડિયો સામે આવ્યા બાદ મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ગુજરાતની સેન્સેનલ એક્ટ્રેસ બની ગઈ છે. આટલું જ નહીં તેનું ગુજરાતી આલ્બમ ‘ટીકટોકની દીવાની’ હાલમાં જ લોન્ચ કરાયું છે. અર્પિતાનું આલ્બમ રિલીઝ થયાના ત્રણ દિવસમાં જ લગભગ બે મિલિયન વ્યૂઝ મળ્યા છે. આ આલ્બમનો ગાયક છે જીગ્નેશ કવિરાજ છે. મનુ રબારીએ ગીતો લખ્યા છે.

આ સિવાય અર્પિતાના અન્ય વીડિયો પણ લોન્ચ કરવામાં આવ્યા છે. ધાર્મિક વીડિયોમાં અર્પિતાએ ગીત પણ ગાયું છે. આટલું જ નહીં  કાચી કેરી, પાકી કેરી આલ્બમમાં ધવલ બારોટ નામના અભિનેતા સાથે કામ કર્યું છે.

અર્પિતા કહે છે કે તેને ઘણી ફિલ્મોની ઓફર પણ મળી છે પરંતુ તે તેના ઉપરી અધિકારીઓની મંજૂરીની રાહમાં છે. અર્પિતા ચૌધરીએ કહ્યું કે તેણે સસ્પેન્શન પછી ચાર વીડિયો આલ્બમમાં અભિનય કર્યો હતો, જેમાં ‘અર્બુદા મા’ સામેલ છે.અર્પિતા હાલમાં કડી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવી રહી છે. અર્પિતા ચૌધરી કહે છે કે જ્યારે પણ હું તપાસ માટે બહાર જાઉં છું ત્યારે લોકો સેલ્ફી લેવાનું શરૂ કરી દે છે, આ મારા માટે રોમાંચ કરનારી ઘટના છે.

તમને જણાવી દઇએ કે, ગુજરાતના મહેસાણા જિલ્લાની મહિલા કોન્સ્ટેબલ અર્પિતા ચૌધરીએ પોલીસ સ્ટેશનની અંદરના ફિલ્મી ગીત પર ટીકટોક વીડિયો બનાવ્યો હતો, ત્યારબાદ તેને સસ્પેન્ડ કરી દેવામાં આવી હતી. પરંતુ અર્પિતાનો ટીકટોક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થયો હતો. વીડિયો વાયરલ થયા બાદ અર્પિતા ચૌધરી સામે કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.

અર્પિતા ચૌધરીને પોલીસ અધિકારીઓએ સસ્પેન્ડ કરી દીધા હતા. જેના માટે અધિકારીઓએ કહ્યું હતું કે અર્પિતા ચૌધરીએ નિયમોનું ઉલ્લંઘન કર્યું છે. અર્પિતા ચૌધરી ફરજ દરમિયાન યુનિફોર્મમાં નહોતી અને તેણે પોલીસ સ્ટેશનમાં એક વીડિયો બનાવ્યો જે ખોટું છે. 2016માં આરએલડીમાં દાખલ થયેલી અર્પિતા ચૌધરીનું 2018માં મહેસાણામાં પોસ્ટીંગ કરવામાં આવ્યું હતું.