મહિલા દિને એક સલામ આમને : 8 મહિનાની સગર્ભા સુનયના પટેલ દંતેવાડામાં ઓન ડ્યુટી પર

ગર્ભવતી મહિલાઓને આરામની જરૂર હોય છે. એક તરફ ડૉક્ટર તેમને બેડ રેસ્ટની સલાહ આપે છે. ત્યારે આઠ મહિનાના ગર્ભવતી કમાંડર સુનયના પટેલ ડ્યૂટી પર છે. એકવાર પેટ્રોલિંગ દરમિયાન ગર્ભપાત થઈ ગયો હોવા છતાં સુનૈના ડગ્યા નહીં. સુનયના પટેલ ખતરનાક કહેવાતા દંતેવાડાના જંગલમાં નક્સલીઓ સામે જંગ લડી રહ્યા છે. પોતાના આ નિર્ણયથી સુનયના પટેલે લાખો-કરોડો મહિલાઓ અને યુવતીઓને દરેક પરિસ્થિતિમાં મક્કમ રહીને પોતાનું કામ કરતાં રહેવાનો જુસ્સો આપ્યો છે.

આઠ મહિનાનો ગર્ભ હોવા છતાં સુનયના પટેલ કર્તવ્ય અને બહાદુરીનું શાનદાર ઉદાહરણ પૂરું પાડે છે. છત્તીસગઢના દંતેવાડામાં નક્સલીઓ સામે લડવા માટે બનાવેલા ડિસ્ટ્રિક્ટ રિઝર્વ ગાર્ડમાં દંતેશ્વરી ફાઈટર તરીકે સુનૈના તહેનાત છે. આઠ મહિનાનો ગર્ભ હોવા છતાં સુનૈના ગાઢ જંગલોમાં પેટ્રોલિંગ કરે છે. પેટ્રોલિંગ દરમિયાન તેમના ખભે ભારે બેગ અને વજનદાર રાઈફલ હોય છે.

પોતાની ડ્યૂટી વિશે વાત કરતાં સુનયના પટેલ જણાવ્યું, ‘હું બે મહિનાની ગર્ભવતી હતી ત્યારે અહીં જોડાઈ હતી.’ સુનયના પટેલે ક્યારેય ડ્યૂટી કરવાની ના નથી પાડી. આઠ મહિનાના ગર્ભવતી હોવા છતાં તેમને જે કામ મળ્યું છે તે તેમણે ખંતથી પૂરું કર્યું છે.

દંતેવાડાના એસપી અભિષેક પલ્લવે કહ્યું કે, એકવાર પેટ્રોલિંગ વખતે સુનયનાને ગર્ભપાત થઈ ગયો હતો. આજે પણ તે રજા લેવાની ના પાડે છે. તેમણે ઘણી મહિલાઓને પ્રેરણા પૂરી પાડી છે. જ્યારથી તેમણે કમાંડર તરીકે ચાર્જ સંભાળ્યો છે ત્યારથી મહિલા કમાંડોની સંખ્યા બમણી થઈ ગઈ છે.