જાહેરાત કર્યા અનુસાર પીએમ મોદીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ મહિલાઓને સોંપ્યા, પહેલું ટિ્વટ સ્નેહા મોહનદાસનું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત પ્રમાણે, આજે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર તેમણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ મહિલાઓને સંભાળવા આપી દીધા છે. પીએમ મોદીના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પરથી મહિલાઓ પોતાના પ્રેરણાદાયી વિચારો લોકો સાથે શેર કરી રહી છે. જીવનમાં સંઘર્ષ કરીને સફળતાના શિખર સુધી પહોંચેલી મહિલાઓની કહાણી અન્ય મહિલાઓને પ્રેરણા આપે તેવી છે.

પીએમ મોદીના ટિ્વટ, ફેસબુક, ઈન્સ્ટાગ્રામ અને યૂટ્યૂબ પરથી મહિલાઓ પોતાની પ્રેરણાદાયી વાત કરી રહી છે. આ જ અનુસંધાનમાં ટિ્વટર પર @narendramodi હેન્ડલ પરથી સૌથી પહેલું ટ્વિટ સ્નેહા મોહન દાસે કર્યું છે. તેમણે એક વિડીયો ટિ્વટ કરતાં જણાવ્યું કે, તેઓ એક ફૂડ બેંકના સંસ્થાપક છે. સ્નેહાએ પીએમ મોદીના ઈન્સ્ટાગ્રામ, ફેસબુક અને યૂટ્યૂબ પર પણ પોતાની પ્રેરણાદાયી વાત શેર કરી છે.

સ્નેહાએ જણાવ્યું કે, તેમણે 2015માં ચેન્નૈઈમાં આવેલા પૂર પહેલા ફૂડ બેંકની સ્થાપના કરી હતી. જેનો મુખ્ય ઉદ્દેશ ભૂખ સામે લડવાનો અને એક એવા દેશનું નિર્માણ કરવાનો છે જ્યાં કોઈ ભૂખ્યું ના રહે. સ્નેહાએ કહ્યું, તેમના દાદાજીના જન્મદિવસ અને ખાસ પ્રસંગોએ તેમની માતા ઘરે બાળકોને બોલાવીને જમાડતા હતા.

પીએમ મોદીના ટિ્વટર હેન્ડલ પરથી બીજું ટિ્વટ કરનારી મહિલા માલવિકા ઐય્યર હતી, જે બોમ્બ વિસ્ફોટમાં સહેજ બચી હતી. તેણે @narendramodi હેન્ડલ પરથી ટિ્વટ   કરીને પોતાના વીડિયોમાં જણાવ્યું હતું કે કેવી રીતે તેણે પોતાના બંને હાથ ગુમાવ્યા પછી અને પગમાં ગંભીર ઇજા થઇ હોવા છતાં જીવનમાં કંયારેય પાછળ વળીને જોયું નથી. માલવિકાએ જણાવ્યું હતું કે તે 13 વર્ષની હતી ત્યારે રાજસ્થાનના બિકાનેરમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટને કારણે તેણે પોતાના બંને હાથ ગુમાવ્યા હતા અને તેના બંને પગ ગંભીર રીતે ઘવાયા હતા. તેણે કહ્યું હતું કે આ ભયાનક ઘટના પછી જીવનના પડકારોમાંથી બહાર આવવામાં શિક્ષણથી વધુ મદદ મળી. તેણે કોચિંગ સેન્ટરમાં અભ્યાસ કરીને 10માની પરીક્ષા આપી, પરીક્ષામાં તેણે રાઇટરની મદદ લેવી પડી. માલવિકાએ જણાવ્યું કે માત્ર ત્રણ મહિનાની તૈયારીમાં તેને 10માંમાં 97 કા મેળવ્યા હતા. તે પછી મેં કદી પાછું વળીને જોયું નથી.