ભારતીય ટીમને 85 રને હરાવી ઓસ્ટ્રેલિયા પાંચમીવાર બન્યું મહિલા ટી-20 વર્લ્ડ ચેમ્પિયન

ભારતીય મહિલાનું પહેલીવાર આઇસીસી ટી-20 મહિલા વર્લ્ડકપ જીતવાનું સપનું ઓસ્ટ્રેલિયાએ તોડી નાંખીને પાંચમીવાર આ વર્લ્ડકપ જીત્યો છે. ભારતીય ટીમને આજે ઓસ્ટ્રેલિયાએ રમતના તમામ પાસામાં પછાડી હતી. ફિલ્ડીંગ, બોલિંગ અને બેટિંગ ત્રણેય પાસામાં ઓસ્ટ્રેલિયન ટીમ સુપિરિયર પુરવાર થઇ છે.  મેલબોર્નના ઐતિહાસિક મેદાનમાં મહિલા ટી20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાની ટીમે પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 184 રનનો પહાડ જેવો સ્કોર બનાવ્યા પછી ભારતીય ટીમને 99 રનમાં ઓલઆઉટ કરીને 85 રને મેચ જીતીને વધુ એકવાર વર્લ્ડ ચેમ્પિયન બની છે.

ઓસ્ટ્રેલિયાની ઓપનર એલિસા હેલીએ 39 બોલમાં 75 રનની વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. જ્યારે બેથ મૂનીએ 54 બોલમાં 78 રનની ઈનિંગ્સ રમી. ઓસ્ટ્રેલિયાની ટીમે મેચમાં ટોસ જીતને પહેલા બેટિંગનો નિર્ણય કર્યો હતો. મહિલા ટી-20 વર્લ્ડકપની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાના ઓપનર્સે પહેલી ઓવરથી જ વિસ્ફોટક બેટિંગ શરૂ કરી દીધી હતી. બંને ઓપનર્સે મળીને પહેલી વિકેટ માટે 11.4 ઓવરમાં 115 રનની પાર્ટનરશીપ કરી હતી. એલિસાએ પોતાની 75 રનની ઈનિંગ્સમાં 7 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા.

મેચમાં ભારતીય મહિલા બોલર્સનું પ્રદર્શન ખૂબ નિરાશાજનક રહ્યું હતું. ભારતીય બોલર શીખા પાંડેએ 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. જ્યારે દીપ્તી શર્માએ 4 ઓવરમાં 2 વિકેટ લઈને 38 રન આપ્યા. ભારતની સ્ટાર સ્પિનર પૂનમ યાદવ પણ મેચમાં 4 ઓવરમાં 30 રન આપીને 1 વિકેટ જ મેળવી શકી.