રણજી ક્રિકેટના સચિન તેંદુલકર વસિમ જાફરે ક્રિકેટને કરી અલવિદા

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ઓપનર અને ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ બેટ્સમેન વસિમ જાફરે શનિવારે તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરતા પોતાની લાંબી અને ઝળહળતી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કારકિર્દીનો પણ અંત લાવી દીધો છે. 42 વર્ષીય જાફરે 1996-97મા ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું અને દેશની પ્રતિષ્ઠિત ડોમેસ્ટિક ટુર્નામેન્ટ રણજી ટ્રોફી અને ઈરાની ટ્રોફીમાં સૌથી વધુ રન નોંધાવનારો બેટ્સમેન બન્યો છે. આ ઉપરાંત તેણે ટેસ્ટ ક્રિકેટમાં પાંચ સદી ફટકારતા 2000 જેટલા રન નોંધાવ્યા છે.

વસિમ જાફરે એક નિવદેનમાં  જણાવ્યું છે કે આટલા બધા વર્ષ ક્રિકેટ રમ્યા બાદ હવે આગળ વધવાનો સમય આવી ગયો છે. જોકે, જેને હું સૌથી વધુ પ્રેમ કરૂ છું તેવા રેડ બોલ ક્રિકેટમાં આ મારી પ્રથમ ઈનિંગ્સનો અંત છે. હું બીજી ઈનિંગ્સમાં કોચિંક કે કોમેન્ટરી જેવા ક્ષેત્રમાં યોગદાન આપવા ઈચ્છું છું. ક્રિકેટે મને ઘણું બધું આપ્યું છે. પોતાની કારકિર્દીમાં યોગદાન આપવા માટે તેણે ઘણા લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો. તેણે કહ્યુંહ તું કે સ્કૂલના દિવસોથી લઈને પ્રોફેશનલ ક્રિકેટ સુધી મારા તમામ કોચનો હું આભાર માનું છું જેમણે મારી પ્રતિભાને નિખારવામાં મદદ કરી. મારામાં વિશ્વાસ મૂકનારા તમામ પસંદગીકારોનો પણ આભાર માનું છું.

વેસ્ટઇન્ડિઝમાં બેવડી સદી ફટકારનાર ગણ્યા ગાઠ્યાં ખેલાડીઓમાં સામેલ

અનુભવી બેટ્સમેને વર્ષ 2000મા સાઉથ આફ્રિકા સામેની મેચથી ટેસ્ટ કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો. જાફર એવા ગણ્યા ગાંઠ્યા ભારતીય બેટ્સમેનમાં સામેલ છે જેણે વેસ્ટ ઈન્ડિઝમાં બેવડી સદી ફટકારી છે. જાફર 150 રણજી ટ્રોફી મેચ રમનારો પ્રથમ ખેલાડી છે. તેણે ટુર્નામેન્ટની 38મી અને 39મી સિઝનમાં મુંબઈને ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ગત ત્રણ સિઝનમાં તેણે વિદર્ભને બે રણજી ટાઈટલ જીતાડ્યા છે. જાફરે 1996-97ની સિઝનમાં ફર્સ્ટ ક્લાસ કારકિર્દી શરૂ કરી હતી અને કુલ મળીને તેણે 260 મેચમાં 19,410 રન નોંધાવ્યા છે.

દિગ્ગજ ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવા મળ્યો તે સન્માનની વાત

જાફરની ટેસ્ટ કારકિર્દી ફક્ત 31 મેચની જ રહી છે પરંતુ તેની પાસે યાદ રાખવા જેવી ઘણી બાબતો છે. તેણે પાકિસ્તાન સામે 202 રનનો સ્કોર નોંધાવ્યો હતો તથા વેસ્ટ ઈન્ડિઝ સામે 212 રનની ઈનિંગ્સ રમી હતી. આ ઉપરાંત વેસ્ટ ઈન્ડિઝ અને 2006-07મા ઈંગ્લેન્ડમાં ટેસ્ટ સિરીઝ જીતનારી ટીમનો ભાગ પણ રહ્યો હતો. તેણે બીસીસીઆઈ, એમસીએ અને વીસીએનો પણ આભાર માન્યો હતો અને કહ્યું હતું કે મને રાહુલ દ્રવિડ, સૌરવ ગાંગુલી, અનીલ કુંબલે, વીવીએસ લક્ષ્મણ, વીરેન્દ્ર સહેવાગ અને મહેન્દ્ર સિંહ ધોની જેવા દિગ્ગજ ખેલાડીઓ સાથે ડ્રેસિંગ રૂમ શેર કરવાની મને તક મળી જે મારા માટે ગર્વની વાત છે.

હું નસીબદાર હતો કે સચિન તેંડુલકરને નજીકથી રમતા જોઇ શક્યો

જાફરે મુંબઈ ટીમના ભૂતપૂર્વ બેટ્સમેન અને મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો પણ આભાર માન્યો છે. તેણે કહ્યું છે કે હું સચિન તેંડુલકર વિશે શું કહી શકું? તે મારો આદર્શ હતો. હું નસીબદાર છું કે હું સચિનને નજીકથી રમતા જોઈ શક્યો છું. મારા મતે સચિન અને બ્રાયન લારા તેમના ક્રિકેટ યુગના સર્વશ્રેષ્ઠ ક્રિકેટર છે. આ ઉપરાંત મુંબઈ માટે રમતા મને સચિન, વિનોદ કાંબલી, ઝહિર ખાન, અમોલ મઝુમદાર, નિલેશ કુલકર્ણી જેવા ખેલાડીઓ સાથે રમવાની તક મળી છે.

રણજીમાં સૌથી વધુ રન અને સદી વસિમ જાફરના નામે

જાફર રણજી ટ્રોફીમાં 12,000 રન નોંધાવનારો એકમાત્ર બેટ્સમેન છે. આ ઉપરાંત ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી વધુ સદી પણ તેના નામે છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાફરે 31 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેણે 1944 રન નોંધાવ્યા છે. જેમાં પાંચ સદી અને 11 અડધી સદી સામે લ છે. 212 રન તેનો સર્વોચ્ચ સ્કોર છે.

ક્રિકેટ રમવાની પ્રતિભા આપી તે બદલ અલ્લાહનો આભાર

જાફરે કહ્યું હતું કે સૌથી પહેલા હું અલ્લાહનો આભાર માનું છું જેમણે મને ક્રિકેટ રમવાની પ્રતિભા આપી. આ ઉપરાંત હું મારા માતા-પિતા અને ભાઈનો આભાર માનું છું જેમણે મને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યો. આ ઉફરાંત ઈંગ્લેન્ડનું જીવન છોડીને મારા બાળકો અને મારા માટે સુંદર ઘર તૈયાર કરવા માટે મારો સાથ આપનારી પત્નીનો પણ હું આભાર માનું છું.