અમદાવાદ કોર્પોરેશના કમિશરની પત્ની વિરુદ્વ નોંધાયો ગુનો, જાણો શું હતો આખો મામલો

અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નેહરાને પત્ની સુમન નેહરાના કારણે ક્ષોભજનક સ્થિતિમાં મુકાવાનો વારો આવ્યો છે. અમદાવાદથી પ્રસિદ્ધ થતા એક અંગ્રેજી અખબારના મહિલા સંપાદક સામે ટવિટર હેન્ડલર પર અભદ્ર ટીપ્પણી કરવાના મામલે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના સાયબર સેલે તેમની સામે ગુનો નોંધ્યો છે.

સાયબર સેલમાં એક અંગ્રેજી અખબારના તંત્રીએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે 27 ફેબ્રુઆરીના રોજ સુમન નેહરાએ પોતાના ટ્‌વીટર એકાઉન્ટમાં દિપલ ત્રિવેદી અને તેમના જુના સહકર્મી જાનવી વિરુદ્ધ કેટલીક અભદ્ર ટિપ્પણીઓ કરી હતી. જેના કારણે બંને મહિલાઓની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચ્યું હતું. સાથે જ દિપલ ત્રિવેદીનું ટ્‌વીટર એકાઉન્ટ અખબારનાં વ્યવસાયિક હેતુના માટે હોવાને કારણે તેમના અખબારની પ્રતિષ્ઠાને પણ હાની પહોંચી હતી. આ મામલે દિપલ ત્રિવેદીએ આપેલી ફરિયાદની સાયબર સેલએ ખરાઈ કર્યા બાદ સાયબર એક્ટ પ્રમાણે સુમન નેહરા સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કેડરના ઘણા આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ ઉત્તમ કામ કરતા હોવા છતાં તેમની પત્નીઓના વ્યવહાર અને વર્તનને કારણે ઘણીવાર તેઓ ક્ષોભ જનક સ્થિતિમાં મુકાઈ જતા હોવાની અનેક ઘટનાઓ ઘટી છે જે પૈકીની આ એક ઘટના છે.