સાઉદીમાં તખ્તાપલટનો પ્રયાસ, રોયલ ગાર્ડસે કીંગ સલમાનના ભાઈ-ભત્રીજાને દબોચી લીધા

રાજકીય ઉથલપાથલના મોટા સમાચાર સાઉદી અરેબિયાથી આવી રહ્યા છે. સાઉદી અધિકારીઓએ કીંગ શાહી મહેલના ત્રણ સભ્યોની અટકાયત કરી છે. યુ.એસ. મીડિયાના અહેવાલ મુજબ ત્રણેય પર આરોપ મૂકવામાં આવ્યો છે કે તેઓ બળવા માટેની કોશિશ કરી રહ્યા છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈએ વોલ સ્ટ્રીટ જર્નલને ટાંકીને જણાવ્યું છે કે સાઉદી અધિકારીઓએ રાજદ્રોહના આરોપમાં કીંગ સલમાનના ભાઈ રાજકુમાર અહેમદ બિન અબ્દુલ અઝીઝ અલ સઉદ, ભત્રીજા મોહમ્મદ બિન નાયફની અટકાયત કરી છે. શુક્રવારે સવારે કાળા રંગના પોશાકમાં તૈનાત રોયલ ગાર્ડ્સે શાહી સભ્યોના મહેલમાં પહોંચ્યા અને તેમને તેમના પોતાના કબજામાં લીધા હતા.

સાઉદી અરેબિયાની શાહી અદાલતે આ બંને લોકો પર કીંગ સલમાન અને ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન વિરુદ્વ કાવતરું ઘડી કાઢ્વાનો આરોપ મૂક્યો છે. વોલ સ્ટ્રીટ જર્નલે કહ્યું છે કે જે લોકો પર આક્ષેપ કરવામાં આવ્યો છે તેમાંથી એક રાજગાદીના દાવેદાર છે. રિપોર્ટ અનુસાર જો આ આરોપો સાચા સાબિત થાય તો તેમને આજીવન કેદ અથવા મૃત્યુની સજા થઈ શકે છે.

સાઉદી અરેબિયામાં હાલના રાજકીય ઉથલપાથલોએ ફરી એકવાર સંકેત આપ્યા છે કે પ્રિન્સ સલમાન સતત સાઉદી અરેબિયાની સત્તા પર પોતાની પકડ મજબૂત કરી રહ્યા છે. આ ઘટના એવા સમયે આવી છે જ્યારે કોરોના વાયરસના ખતરાને ધ્યાનમાં રાખીને સાઉદી અરેબિયાએ ઇસ્લામના પવિત્ર સ્થળ મક્કા-મદીનામાં લોકોની અવરજવર બંધ કરી દીધી છે.

પ્રિન્સ સલમાન સાઉદી અરેબિયાના વર્તમાન રાજકારણમાં સૌથી શક્તિશાળી નેતા છે. અત્યારે તેમને સાઉદી અરેબિયાના અસલી નેતા માનવામાં આવે છે. જોકે, દેશના રાજા તરીકે હાલમાં તેમના પિતા અને 84 વર્ષના શાસક કીંગ સલમાન શાસનઘૂરા સંભળી રહ્યા છે.