યસ બેન્કના ઉઠમણાથી વડોદરા કોર્પોરેશનનો આબાદ બચાવ,ચાર દિવસ પહેલાં જ 267 કરોડ ઉપાડી લીધા

યસ બેન્કે ઉઠમણું કરતાં સમગ્ર દેશમાં હાહાકાર મચી ગયો છે. યસ બેન્કના એટીએમ પર મસમોટી લાઈનો લાગી રહી છે. ગુજરાતમાં બે મ્યુનિસિપલ કોર્પોરેશન પર આની અસર થઈ છે. જોકે રાજકોટ કોર્પોરેશનના 164 કરોડ સલવાયા છે તો બીજી તરફ વડોદરા કોર્પોરેશનના 267 કરોડ રૂપિયા બચી ગયા છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનનાં 267 કરોડ રૂપિયા બચ્યા હતા. કારણ કે તાજેતરની બેઠકમાં આખી રકમ યસ બેંકથી બેન્ક ઓફ બરોડામાં ટ્રાન્સફર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ અંતર્ગત ચાર દિવસ પહેલા આખી રકમ બેંક ઓફ બરોડામાં ટ્રાન્સફર થવાને કારણે આ રકમ યસ બેંકમાં ફસાઈ જતા બચી ગઈ છે. આને કારણે સ્માર્ટ સિટી પ્રોજેક્ટ ડાયરેક્ટર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેનના અધ્યક્ષ સતીષ પટેલ ખુશ દેખાયા હતા.

રાજકોટ અને વડોદરા કોર્પોરેશનના રૂપિયા અનુક્રમે સલવાયા અને બચી ગયા ત્યારે સુરત કોર્પોરેશનનું કોઈ પણ પ્રકરાનું અકાઉન્ટ યસ બેન્કમાં ન હોવાનું કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર ફાયનાન્સ બંકીમ દેસાઈએ જણાવ્યું છે.