સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ : ખેડૂતો ચિંતિત, કેરી સહિતના પાકને નુકસાનની દહેશત

ગુજરાત રાજ્યના કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં ગુરૂવારે કમોસમી વરસાદ પડ્યા પછી શુક્રવારે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાનું ચાલું રહ્યું હતું. આજે સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વાપી અને નવસારી સહિતના કેટલાક વિસ્તારોમાં સવારે વરસાદી ઝાપટું પડ્યું હતું, એ ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં બે દિવસની વરસાદની સંભાવના વ્યક્ત કરતી આગાહી કરવામાં આવી હતી.

સુરતમાં ઉધના, મજુરાગેટ, અઠવા લાઈન્સ રાંદેર, કતારગામ, ડભોલી સહિતના વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે.સુરત શહેરમાં સવાર સવારમાં અચાનક થયેલા વરસાદના કારણે ઘણાં ઠેકાણે જીઇબીનો પાવર ડુલ થઇ ગયો હતો. વરસાદને કારણે રસ્તાઓ થોડા લપસણા બન્યા હોવાથી વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી. વરસાદ બાદ કેટલાક રસ્તાઓ પર સામાન્ય પાણી પણ ભરાયેલા જોવા મળ્યા હતા.

હવામાન વિભાગ દ્વારા અગાઉ રાજ્યમાં 5 અને 6 માર્ચના રોજ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી. આ આગાહી પ્રમાણે ગઈકાલે રાજ્યના અમદાવાદ, ગાંધીનગર સહિત કચ્છ, સૌરાષ્ટ્રમાં અચાનક ધોધમાર વરસાદી ઝાપટાં નોંધાયા હતા. વરસાદના કારણે ખેડૂતોની મુશ્કેલીમાં વધારો થયો છે અને કેરી સહિતના પાકને નુકસાનની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.