યસ બેન્ક કટોકટીએ કરાવી નોટબંધીની યાદ તાજી : ઠેર ઠેર એટીએમ બહાર લાઇનો લાગી

ગુરૂવારે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ)એ યસ બેન્કના ખાતેદારોને એક મહિનામાં 50 હજારથી વધુ રુપિયા ઉપાડવા પર મનાઈ ફરમાવી દેતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. દેશભરમાં યસ બેન્કની  બ્રાંચોમાં સવારથી જ લોકો પોતાના રુપિયા ઉપાડવા માટે ઉમટી પડ્યા હતા. સ્થિતિ કાબૂ બહાર ના જાય તે માટે યસ બેંકની તમામ બ્રાંચો બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. બેંકના એટીએમ બહાર પણ લોકોની લાઈનો લાગી હતી, અને ગણતરીની મિનિટોમાં એટીએમ પણ તળીયાઝાટક થઈ ગયા હતા. યસબેન્કના કારણે નોટબંધીની યાદ તાજી થઇ હતી અને દેશભરમાં આવેલા યસ બેન્કના એટીએમ પર લોકોની પૈસા ઉપાડવા માટેની લાંબી લાઇનો જોવા મળી હતી.

સવારથી જ પોતાના રુપિયા લેવા યસ બેન્કની બહાર ઉભા રહેલા કેટલાક લોકોએ જણાવ્યું હતું કે આબીઆઈએ ગઈકાલે કરેલી જાહેરાતથી તેઓ ખૂબ ટેન્શનમાં આવી ગયા છે. પૈસા લેવા લાઈનમાં ઉભા રહેલા લોકોએ જણાવ્યું હતું કે બેંક તેમને કહી રહી છે કે તેમની મૂડી સુરક્ષિત છે, પરંતુ હવે તેમને બેંક કે તેની વાતો પર વિશ્વાસ નથી. યસ બેન્કનું નેટબેન્કિંગ પણ બંધ થઈ જતાં લોકો પૈસા લેવા એટીએમ અને બ્રાંચ પર ઉમટી પડ્યા હતા. ઘણા લોકો તો આજે જોબ પર રજા પાડીને સવારથી જ બેંકની બ્રાંચ પર આવી ગયા હતા. કેટલાક લોકોએ તો પોતાની બધી મૂડી બેંકમાં જ જમા છે તેવી ફરિયાદ પણ કરી હતી. પોતાના જ પરસેવાની કમાણી લેવા માટે તડકામાં લાઈનમાં ઉભા રહી પરસેવે રેબઝેબ થતાં લોકોને નોટબંધીના દિવસો યાદ આવી ગયા હતા.

સવારથી જ લાઈનમાં ઉભા રહેલા લોકોને બેંક દ્વારા ટોકન આપવામાં આવી રહ્યા છે. જેટલા પણ લોકો લાઈનમાં ઉભા છે તે તમામને આરબીઆઈએ મૂકેલી મર્યાદા પ્રમાણે કેશ આપવામાં આવશે તેવું બેંકના અધિકારીઓ જણાવી રહ્યા છે. જોકે, ખાતેદારો હાલ પેનિક થઈ રહ્યા છે. બેંકમાં 30 લાખ રુપિયાની ડિપોઝિટ ધરાવતા એક વ્યક્તિએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે બેંકે તેમને આશ્વાસન આપ્યું છે કે તેમની મૂડીને કંઈ નહીં થાય. આરબીઆઈએ મૂકેલા નિયંત્રણમાં સૌથી કફોડી હાલત બેંકમાં સેલેરી અકાઉન્ટ ધરાવતા લોકોની થઈ ગઈ છે. હજુ તો મહિનાનું પહેલું જ અઠવાડિયું હોવાથી લોકોએ પોતાનો પૂરો પગાર પણ બેંકમાંથી ઉપાડ્યો નથી, તેવામાં નેટબેન્કિંગ બંધ થઈ જવા ઉપરાંત બેંકના એટીએમમાં પૈસા ન રહેતા હવે લોકોને ના છૂટકે બ્રાંચના ધક્કા ખાવાનો વારો આવ્યો છે.

છેલ્લા એકાદ વર્ષથી વ્યાપક સમસ્યાઓનો સામનો કરી રહેલી યસ બેંકમાં એસબીઆઈ હિસ્સો ખરીદશે તેવા સમાચાર આવતા જ બેંકના શેરમાં 25 ટકાથી પણ વધુની તેજી આવી હતી. જોકે, સાંજે આરબીઆઈએ બેંક પર નિયંત્રણ મૂકી દેતાં આજે તેના શેરના ભાવમાં જબરજસ્ત કડાકો જોવા મળ્યો હતો. હાલ ચાલતી અટકળો પ્રમાણે એલઆઈસી અને સ્ટેટ બેંક યસ બેંકમાં હિસ્સો ખરીદી શકે છે. જોકે તેની કોઈ સત્તાવાર જાહેરાત હજુ સુધી કરવામાં આવી નથી. યસ બેન્ક પર પોતાની એનપીએ ઓછી બતાવવાથી લઈને બીજા પણ અનેક ગંભીર આરોપ લાગતા તેના સીઈઓ રાણા કપૂરની હકાલપટ્ટી કરવામાં આવી હતી. તેમના સ્થાને રણવીત ગીલને બેંકની કમાન સોંપાઈ છે. બેંક છેલ્લા ઘણા સમયથી મૂડી ઉભી કરવાના પ્રયાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી તેને એમાં સફળતા નથી મળી.