રિઝર્વ બેન્કે કરી મોટી કાર્યવાહી, હવે આ બેન્કમાંથી માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકાશે

કેન્દ્ર સરકારે ખાનગી ક્ષેત્રની યસ બેન્ક પર 3૦ દિવસના અસ્થાયી પ્રતિબંધ લાદતાં, ખાતેદારો માટે રૂપિયા કાઢવાની મર્યાદા 50 હજાર નક્કી કરી છે. આ સમગ્ર સમયગાળા દરમિયાન ખાતેદારો 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. જો કોઈ ખાતેદાર પાસે આ બેંકમાં એકથી વધુ ખાતા છે, તો પણ તે કુલ માત્ર 50 હજાર રૂપિયા જ ઉપાડી શકે છે. નાણાં મંત્રાલયની અધિસૂચનામાં જણાવાયું છે કે આ પ્રતિબંધ આજે સાંજે 6 વાગ્યાથી શરૂ થઈ ગયો છે અને ત્રીજી એપ્રિલ સુધી ચાલુ રહેશે.

થાપણો પર ઉપાડ પ્રતિબંધો અમુક શરતોને આધિન રહેશે. કેન્દ્રીય બેંક, સામાન્ય અથવા વિશેષ આદેશ દ્વારા અણધાર્યા સંજોગોમાં બેંકને 50 હજાર રૂપિયાથી વધુ રકમ ઉપાડવાની મંજૂરી આપી શકે છે.

કોના માટે 50 હજાર કરતા વધુ કાઢી શકાશે?

  • રૂપિયા જમા કરનાર અથવા વાસ્તવિક રીતે જમાકર્તા પર આધારિત કોઈ પણ વ્યક્તિની તબીબી સારવાર માટે
  • રૂપિયા જમાકર્તા અથવા તેના પર આધારિત કોઈ પણ વ્યક્તિના શિક્ષણ માટે ભારત અથવા ભારતની બહાર ખર્ચ ચૂકવવા માટે
  • જમાકર્તા અથવા તેના બાળકો અથવા તેના પર ખરેખર આધારિત અન્ય કોઈ પણ વ્યક્તિના લગ્ન અથવા અન્ય સમારંભના સંબંધમાં ફરજિયાત ખર્ચ માટે

યસ બેંક દ્વારા આપવામાં આવેલી લોનનાં મોટાભાગના રૂપિયા ડૂબી ગયા છે. બેંક આ સમસ્યાનો સામનો કરી રહી છે. બેંક ઇચ્છે છે કે નવી મૂડી ઉભી કરવામાં આવે પરંતુ તેને આ કાર્યમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ કારણોસર  બેંકે ડિસેમ્બર 2019ના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા નથી. બેંકની સુરક્ષિત મૂડી એનપીએના કારણે નીચે આવી છે.

નોંધપાત્ર વાત એ છે કે લગભગ 6 મહિના પહેલા આરબીઆઈએ પંજાબ અને મહારાષ્ટ્ર કોઓપરેટિવ (પીએમસી) બેંક પર સમાન પ્રતિબંધ મૂક્યો હતો. આરબીઆઈએ પીએમસી બેંકમાંથી 10 હજાર રૂપિયા ઉપાડવાની મર્યાદા નક્કી કરી હતી. જો કે, પછીથી આ લંબાવવામાં આવ્યું હતું. પીએમસી બેંકમાં નાણાકીય ગરબડી બાદ આરબીઆઈ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.