હોળી પહેલાં 6 કરોડ કર્મચારીઓને મોદી સરકારનો મોટો આંચકો, PFના વ્યાજ દરમાં ઘટાડો

મોદી સકારે હોળી પહેલાં દેશના અંદાજે 6 કરોડ કર્મચારીઓને મોટો આંચકો આપ્યો છે. શ્રમ મંત્રી સંતોષ ગંગવારે EPFOના વ્યાજમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે 2019-20 માટે EPF પર 8.50 વ્યાજ આપવામાં આવશે. પાછલા વર્ષે 2018-19માં આ વ્યાજ 8.65 ટકા આપવામાં આવતું હતું.

એમ્પ્લોઇઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઇઝેશન (EPFO)ની સર્વોચ્ચ સંસ્થા, સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટી (CBDT)ની ગુરુવારે બેઠક મળી. આ બેઠકમાં વર્તમાન નાણાકીય વર્ષ 2019 – 20 માટે PF પરના વ્યાજ દર અંગે નિર્ણય લેવામાં આવ્યો હતો. CBDT પીએફ પરના વ્યાજ દર અંગે નિર્ણય લે છે અને આ નિર્ણય અંગે નાણાં મંત્રાલયની મંજુરી જરૂરી હોય છે.

દેશમાં EPFOની PF યોજનાઓમાં લગભગ 6 કરોડ કર્મચારીઓ સામેલ છે. નોંધપાત્ર વાત એ છે કે, આ વર્ષે સરકાર મહેસૂલની તંગીનો સામનો કરી રહી છે. કરવેરાની આવક અને ડિસઇન્વેસ્ટમેન્ટ બંનેની આવક લક્ષ્યની નીચે છે. સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, નાણા મંત્રાલય દ્વારા પી.એફ. સહિત અન્ય તમામ નાની બચત યોજનાઓ પરના વ્યાજ દરમાં ઘટાડો કરવા માટે દબાણ હતું.

શ્રમ પ્રધાન સંતોષ ગંગવારે કહ્યું 2019-20 માટે EPF થાપણો પર 8.5 ટકા વ્યાજ આપવાનો નિર્ણય લીધો છે. આજે યોજાનારી સેન્ટ્રલ બોર્ડ ઓફ ટ્રસ્ટીઓની બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.

EPFOએ માર્ચ, 2019 માં પૂરા થયેલા નાણાકીય વર્ષ માટે 8.65 ટકા વ્યાજ દરની જાહેરાત કરી હતી. નાણાકીય વર્ષ 2017-18માં EPFOએ તેના શેરધારકોને 8.55 ટકા વ્યાજ ચૂકવ્યું હતું. આ વર્ષે, EPFOએ પાંચ વર્ષમાં સૌથી નીચો વ્યાજ .5.55 ટકા આપ્યો હતો.

2016-17માં EPF પર વ્યાજ દર 8.65 ટકા હતો. જ્યારે 2015-16માં વ્યાજ દર 8.80 ટકા હતો. એ જ રીતે 2013-15 અને 2014-15માં EPF પર 8.75 ટકા વ્યાજ ચૂકવવામાં આવ્યું હતું. EPF પર વ્યાજ દર 2012-13માં 8.50 ટકા હતો.