આ બિમારીના કારણે ડોનાલ્ડ ટ્રમ્પે કંઈ કેટલાય અઠવાડિયાથી ચહેરાને હાથ અડાડ્યો નથી

કોરોનાનો ભય ફક્ત વિશ્વના લોકોને જ ત્રાસ આપી રહ્યો નથી, પરંતુ અમેરિકાના રાષ્ટ્રપતિ પણ કોરોનાથી ભયભીત છે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પણ આ વાતની પુષ્ટિ કરી છે. તેમણે કહ્યું છે કે કોરોના વાયરસને કારણે સાવચેતી તરીકે તેમણે અઠવાડિયાઓ સુધી તેમના ચહેરાને સ્પર્શ કર્યો નથી. ચહેરાને હાથનો સ્પર્શ કરવાને તેઓ મીસ કરી રહ્યા છે.

વ્હાઇટ હાઉસ ખાતેની બેઠક દરમિયાન ટ્રમ્પના હવાલાથી આ વાત બહાર આવી છે. ટ્રમ્પે કહ્યું, “મેં અઠવાડિયાઓથી મારા ચહેરાને સ્પર્શ કર્યો નથી.” હું આમ કરવાનું મીસ કરી રહ્યો છું. ”જોકે, પ્રમુખ ટ્રમ્પના નિવેદન પછી ટ્વિટર યૂઝ્સ સક્રિય થઈ ગયા. લોકો કેટલાક ફોટો શેર કરી રહ્યાં છે. એવો દાવો કરી રહ્યા છે કે આ ફોટો તાજેતરના છે અને ફોટોમાં ટ્રમ્પ પોતાના ચહેરાને સ્પર્શ કરતા જોવા મળી રહ્યા છે.

તમને જણાવી દઇએ કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઘણી વાર કહ્યું છે કે તેઓ જંતુનાશકો (જીવાણુઓના વધુ ભય)થી પીડિત છે અને તેમને સ્વચ્છતાનો જુસ્સો છે. ટ્રમ્પે કોરોનો વાયરસ અંગે ચર્ચા કરવા માટે સાઉથવેસ્ટ, યુનાઇટેડ, અમેરિકન અને જેટબ્લ્યુ સહિત દેશની મુખ્ય એરલાઇન્સના વડાઓ સાથે વ્હાઇટ હાઉસ ખાતે બોલાવેલી બેઠક દરમિયાન આ વાત કરી હતી. કોરોના વાયરસના વધતા જતા કેસોને કારણે બૂકીંગ કેન્સલ થવાના કારણે એરલાઇન્સને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.

યુ.એસ.માં કોરોના વાયરસથી મૃત્યુ પામેલા લોકોની સંખ્યા વધીને 11 થઈ ગઈ છે. ઝડપથી ફેલાતા ચેપી રોગ સામે લડવા માટે કોંગ્રેસના સાંસદોએ આઠ અબજ ડોલરથી વધુનું ફંડ આપવાને સંમતિ આપી છે.