કોરોનાનો કાળોકેર: ચીનમાં મોતને ભેટનારા લોકોનો આંકડો ત્રણ હજારને પાર

કોરોનાની સૌથી વધુ અસર પામેલા ચીનમાં વધુ ૩૧ લોકોના મોત થતા મૃત્યુઆંક ૩૦૧ર થયો છે, ત્યારે કોરોના સંક્રમિત દર્દીની સંખ્યા વધીને ૮૦,૪૦૯ થઈ છે. તેમ સ્થાનિક આરોગ્ય સત્તાવાળાઓએ ગુરુવારે માહિતી આપી હતી. આ તમામ મૃત્યુ હુબેઈ પ્રાંતમાં થયા છે. બુધવારે પણ કોરોનાના નવા ૧૩૯ કેસ નોંધાયા છે. આરોગ્યમાં સુધારો થયા પછી ર,૧૮૯ લોકોને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી, ત્યારે ગંભીર કેસની સંખ્યા ૪૬૪ ઘટીને પ,૯પર થયા છે. અત્યાર સુધીમાં હોસ્પિટલમાંથી કુલ પર,૦૪પ લોકોને રજા આપી દેવામાં આવી છે, ત્યારે રપ,૩પર દર્દીની સંક્રમણને લગતી સારવાર કરવામાં આવી રહી છે. વૈશ્વિક સ્તરે કોરોનાના ૯૩,૦૦૦ થી વધારે કેસ નોંધાયા છે.

ઈટાલીમાં મૃત્યુઆંક ૧૦૬ થયો, ઈટાલીમાં કોરોના ફેલાવાને પગલે શાળાઓ ૧પ મી માર્ચ સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઈટાલીમાં અત્યાર સુધીમાં ૧૦૯ લોકોના મોત થયા છે, ત્યારે વાઈરસથી અસર પામેલાની સંખ્યા વધીને ૩૦૮૯ થઈ છે. વડાપ્રધાન પાલાઝો ચિગીએ વધુ નોટીસ ન મળે ત્યાં સુધી જાહેર સ્થળોના પ્રવાસને લગતા નિયંત્રણો જાહેર કર્યા છે. સ્થાનિક શિક્ષણ પ્રધાને ૧પ મી માર્ચથી શૈક્ષણિક કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે.

અમેરિકામાં કોરોનાના કેસ વધીને ૧૧ થયા છે, ત્યારે યુએસ કોંગ્રેસે ઝડપથી ફેલાઈ રહેલા વાઈરસ સામે લડવા ૮ અબજ ડોલર કરતા વધારે ભંડોળ ફાળવવાની જાહેરાત કરી છે. કેલિફોર્નિયામાં કોરોના વાઈરસને લીધે મૃત્યુનો પ્રથમ કેસ નોંધાયો છે, જેને પગલે અમેરિકામાં કોરોનાને લીધે મૃત્યુ પામનારની સંખ્યા વધીને ૧૧ થઈ છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યુસમે રાજ્યમાં ઈમર્જન્સી જાહેર કરી છે. ન્યુ એન્જેલસે કોરોનાના નવા ૬ કેસ નોંધાતા સ્થાનિક સ્તરે હેલ્થ ઈમર્જન્સી જાહેર કરી છે. ન્યુ યોર્કમાં પણ ૯ નવા કેસ નોંધાયા છે.