આને કહેવાય નોકરીની અછત: રેલવેમાં 63 હજાર જગ્યા માટે 1.89 કરોડ લોકોએ માંગી છે નોકરી

રેલવે પ્રધાન પિયુષ ગોયલે બુધવારે કહ્યું હતું કે ફેબ્રુઆરી 2018માં રેલવેમાં 63 હજાર ખાલી જગ્યાઓ માટે લગભગ 1.89 કરોડ અરજીઓ મળી હતી અને લેખિત પરીક્ષાનો કાર્યક્રમ પ્રક્રિયા હેઠળ છે. ગોયલે લોકસભામાં સાંસદ હનુમાન બેનીવાલના પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.

પિયુષ ગોયલે કહ્યું કે રેલવેમાં લેવલ -1 હેઠળ ભરતી માટેની બે જાહેરાત કરવામાં આવી છે. પ્રથમ સૂચના ફેબ્રુઆરી 2018માં 63,000 ખાલી જગ્યાઓ માટે અને બીજી સૂચના માર્ચ 2019માં 1.03 લાખ ખાલી જગ્યાઓ માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે પ્રથમ સૂચના માટે લગભગ 1.89 કરોડ અરજીઓ મળી છે.

જણાવી દઈએ કે એક વર્ષ પહેલા રેલ્વે ભરતી બોર્ડે આરઆરબી એનટીપીસી અને ગ્રુપ ડી પોસ્ટ્સ માટે જાહેરનામું બહાર પાડ્યું હતું. જોકે આજદિન સુધી રેલ્વે પરીક્ષાની તારીખો જાહેર કરી નથી. આ પોસ્ટ્સ માટે અરજી કરનારા કરોડો ઉમેદવારો પરીક્ષાના સમયપત્રકની રાહ જોઈ રહ્યા છે.

રેલ્વેએ કહ્યું હતું કે ભરતી પરીક્ષા લેવા માટે તે કોઈ એજન્સીની શોધમાં છે અને આ કારણે પરીક્ષામાં મોડું થઈ રહ્યું છે. રેલવે ભરતી બોર્ડ, આરઆરબી એનટીપીસી (આરઆરબી એનટીપીસી) એપ્રિલથી સપ્ટેમ્બર 2019 દરમિયાન પરીક્ષા લેવાનું હતું. આરઆરસી ગ્રુપ-ડીનાં નોટિફિકેશન મુજબ આ પરીક્ષાઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2019માં લેવાની હતી.