ક્રિપ્ટો કરન્સી પરનો પ્રતિબંધ સુપ્રીમ કોર્ટે હટાવ્યો, ક્રિપ્ટો કરન્સીનું ખરીદ-વેચાણ કરી શકાશે

સુપ્રીમ કોર્ટે ક્રિપ્ટો કરન્ટસી પર લગાવવામાં આવેલો પ્રતિબંધ હટાવી દીધો છે. ક્રિપ્ટો કરંસી પર સુપ્રીમ કોર્ટે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) તરફથી લગાવવામાં આવેલા પ્રતિબંધ હટાવી દીધો છે. આરબીઆઈએ 2018માં એક સરક્યૂલર જાહેર કરી બેંકોને ક્રિપ્ટો કરન્સીમાં કારોબાર કરવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટના ચૂકાદા પછી ભારતીયો પણ ક્રિપ્ટો કરન્સીનું ખરીદ અને વેચાણ કરી શકશે.

RBIના સર્ક્યૂલરને પડકારતા ઈન્ટરનેટ એન્ડ મોબાઈલ એસોસિએશન ઓફ ઈન્ડિયા (IAMAI) દ્વારા સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન IAMAI દ્વારા કહેવામાં આવ્યું હતું કે, કેન્દ્રિય બેંકના આ પગલાંથી ક્રિપ્ટો કરન્સીમાં થનારો કાયદાકીય વ્યવહાર ગતિવિધિઓ પર પ્રભાવી રીતે પ્રતિબંધ લાગી જાય છે. જેના જવાબમાં RBIએ કોર્ટમાં સોગંદનામું દાખલ કર્યું હતું. RBIનું કહેવું છે કે તેનાથી ક્રિપ્ટો કરન્સીના માધ્યમથી મની લોન્ડ્રીંગ અને આતંકી ફંડિંગના ખતરાને જોતા આ પગલું ઊઠાવવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, ક્રિપ્ટો કરન્સી એક ડિજિટલ કરન્સી હોય છે. જે બ્લોકચેન ટેકનિક પર આધારીત છે. આ કરન્સીમાં કોડિંગ ટેકનિકનો ઉપયોગ થાય છે. આ ટેકનિક દ્વારા કરન્સીના તમમ ટ્રાન્ઝેક્શનની વિગતો હોય છે. જેનાથી તેને હેક કરવું મુશ્કેલ છે. આ કારણ છે કે ક્રિપ્ટો કરન્સીમાં છેતરપિંડીની શક્યતાઓ ખૂબ ઓછી હોય છે. ક્રિપ્ટો કરન્સીનું સંચાલન કેન્દ્રિય બેંકથી સ્વતંત્ર હોય છે. જે તેની સૌથી મોટી ખામી છે. ઈન્ટરનેટ પર આ વર્ચ્યુઅલ કરંસીની શરૃઆત જાન્યુઆરી 2009માં બિટકોઈનના નામે શરૃ થઈ હતી. અહેવાલ પ્રમાણે દુનિયાભરમાં બિટકોઈન, રિપ્લડ, એથેરમ અને કોર્ડ જેવી લગભગ 2116ક્રિપ્ટો કરન્સી પ્રચલિત છે. જેનું મૂલ્ય 119.46 અબજ ડોલર છે.