મજબૂતી એવી ઠસો-ઠસ, ટકે એટલે વરસો-વરસ, માર્કેટમાં આવી રહી છે 100 રૂપિયાની ટકાઉ નોટ

ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા નજીકના ભવિષ્યમાં જ 100 રૃપિયાની નવી નોટ જારી કરવાની છે. આ નોટની ખાસિયત એ છે કે તે જલદી ફાટશે નહીં. તે વર્તમાન નોટની તુલનામાં બેગણી ટકાઉ હશે. સરકારે RBI દ્વારા પાંચ કેન્દ્રો પર પ્રાયોગિક પરીક્ષણ આધારે 100 રૃપિયાના મૂલ્યોવાળી એક અરબ વાર્નિશ લાગેલી નોટોની શરૃઆત કરવાની મંજુરી આપી દીધી છે.

આ ૧૦૦ રૃપિયાની નવી નોટની મોટી ખાસિયત એ હશે કે તે જલદી ફાટશે નહીં. નવી નોટ વર્તમાન નોટની તુલનામાં બેગણી ટકાઉ હશે. નાણા રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે એક સવાલના લેખિત જવાબમાં મંગળવારે રાજ્ય સભામાં આ જાણકારી આપી હતી. તેઓએ કહ્યું કે, સરકારે RBI દ્વારા પાંચ કેન્દ્રો, શિમલા, જયપુર, ભૂવનેશ્વર, મૈસુર અને કોચ્ચીમાં પ્રાયોગિક પરીક્ષણ આધારે 100 રૃપિયાના મૂલ્યવાળી એક અરબ વાર્નિશ લાગેલી બેંક નોટોની શરૃઆત કરવાની મંજુરી આપી છે. તેનાથી બેંક નોટ વધારે સમય સુધી ઉપયોગ કરવા લાયક રહેશે.

નવી નોટને વધારે સંભાળીને રાખવાની જરૃર નહીં રહે. તેનું કારણ છે કે નવી નોટ ન જલદી કપાઈ જશે અને ન જલદી ફાટી જશે. કેમ કે તેના પર વાર્નિશ પેન્ટ ચઢાવેલું હશે. વાર્નિશ પેન્ટ આપણે લાકડા અથવા ધાતુને પેન્ટ કરતા સમયે ઉપયોગ કરીએ છીએ, તેનો ઉપયોગ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પહેલો દેશ નથી, જ્યાં વાર્નિશ નોટનો ઉપયોગ કરવામાં આવશે. વર્તમાન સમયમાં દુનિયાના ઘણાં દેશોમાં વાર્નિશ નોટોનો ઉપયોગ કરવામાં આવે છે. હવે ભારતીય રિઝર્વ બેંકે પણ તેને દેશમાં અજમાવવાનો નિર્ણય લીધો છે. નોટોને ગંદકીથી બચાવવા માટે ઘણા દેશોમાં પ્લાસ્ટિક નોટોનો પણ ઉપયોગ કરવામાં આવે છે.

હાલમાં ચલણમાં રહેલી ચલણી નોટો જલદી જ ખરાબ થઈ જાય છે, આ જલદી જ કપાઈ જાય છે, ફાટી જાય છે અથવા તો મેલી થઈ જાય છે. રિઝર્વ બેંકને દર વર્ષે લાખો કરોડ રૃપિયાની ગંદી કપાઈ ગયેલી-ફાટેલી નોટ રિપ્લેસ કરવી પડે છે. સામાન્ય રીતે દર પાંચમાંથી એક નોટ દર વર્ષે હટાવવી પડે છે. તેના પર ખૂબ જ ખર્ચ કરવો પડે છે. આ સમસ્યાથી મુક્તિ મેળવવા માટે ઘણા દેશ પ્લાસ્ટિકની નોટોનો ઉપયોગ કરે છે.