“કમલ”ને ખેરવવા ભાજપનું ઓપરેશન “કમલ”: કમલનાથે ભાજપના ખેલને બગાડી નાંખ્યું

મધ્યપ્રદેશમાં ભાજપનું ઓપરેશન લોટસ નિષ્ફળ ગયું હોવાનો સવાલ એટલા માટે ઉઠ્યો છે કે ગઈકાલે રાત્રે ગુરૃગ્રામમાં જોરદાર રાજકીય ડ્રામા ચાલ્યો હતો. એવા સમાચાર મળ્યા હતા કે કમલનાથ સરકારને ટેકો આપી રહેલા કેટલાક ધારાસભ્યોને એક હોટલમાં પરાણે રોકી રાખવામાં આવ્યા છે. આમાંથી એક બસપાના ધારાસભ્ય રામ બાઈ પણ હતા. જેમની કમલનાથ સરકારમાં મંત્રી જીતુ પટવારી અને જયવર્ધનસિંહ પોતાની સાથે એ હોટલમાંથી બહાર કાઢી લઈ ગયા હતા. આ દરમિયાન સાદા કપડામાં હરિયાણા પોલીસના અધિકારી સાથે હાથોહાથની પણ જામી હતી.

આ સમગ્ર મામલે ભાજપના નેતાઓ મૌન રાખી બેસી ગયા છે, તો બીજી તરફ કોંગી નેતા દિગ્વિજયસિંહે આરોપ મૂક્યો છે કે ભાજપે ધારાસભ્યોને ખરીદવા માટે પાંચથી દસ કરોડ રૃપિયાની ઓફર કરી છે તે પછી તરત જ તેમણે દાવો કર્યો હતો કે 6 ધારાસભ્યોને કોંગ્રેસે હોટલમાંથી બહાર કાઢ્યા છે. સરકાર બચાવવાના પ્રયાસમાં સામેલ કમલનાથ સરકારમાં કેબિનેટ મંત્રી અને દિગ્વિજયસિંહના પુત્ર જયવર્ધનસિંહ કહ્યું હતું કે ભાજપનું મિશન નિષ્ફળ ગયું છે.

ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના 10 ધારાસભ્યો ગુડગાંવ નજીકના માનેસરના આઈટીસી હોટલમાં ઉતર્યા હતા. કોંગ્રેસનો દાવો છે કે ભાજપ પૈસાના જોરે અને લાલચ આપી આ બધાને લાવી છે કે જેથી કમલનાથ સરકાર અસ્થિર થઈ શકે. પરંતુ બાદમાં મધ્યપ્રદેશ સરકારના બે પ્રધાનો જયવર્ધનસિંહ અને જીતુ પટવારીની સાથે કોંગ્રેસના નેતા દિગ્વિજયસિંહ ત્યાં પહોંચ્યા હતા અને તમામ ૬ ધારાસભ્યોને પરત લઈ ગયા હતા.

કોંગ્રેસને દાવો છે કે આ સમગ્ર ખેલમાં શિવરાજસિંહ ચૌહાણ અને ભાજપના બીજા નેતાઓ સામેલ છે. હવે દિગ્વિજયસિંહનો દાવો છે કે બાકીના ૪ ધારાસભ્યો પણ કોંગ્રેસના સંપર્કમાં છે અને તેઓની વાપસી થશે. દિગ્વિજયસિંહે આરોપ મૂક્યો હતો કે સરકાર તોડવા માટે કરોડોની ઓફર થઈ છે. અમારી પાસે પુરાવા છે. ધારાસભ્યોને છેતરી લાવવામાં આવ્યા છે. બધાને બેંગ્લોર જવાની તૈયારી હતી.

મધ્યપ્રદેશ વિધાનસભામાં કુલ 230 બેઠકો છે. જેમાં હાલ 228 ધારાસભ્યો છે. બે બેઠક ધારાસભ્યોના મોતને કારણે ખાલી છે. કોંગ્રેસ પાસે હાલ 114 ધારાસભ્યો છે તો ભાજપમાં પાસે 107 છે. બે ધારાસભ્યો બસપાને છે, ચાર અપક્ષ છે અને એક સપાના ધારાસભ્ય છે. જાદુઈ આંકડો 115નો છે. કોંગ્રેસને 121 ધારાસભ્યોનું સમર્થન છે. હાલ કમલનાથ સરકાર સુરક્ષિત છે.

ગુરૃગ્રામમાં અડધી રાત્રે કોંગ્રેસે સક્રીયતા દાખવી તમામ ધારાસભ્યોને હોટલમાંથી કાઢી સંકટને ટાળી દીધું છે. કોંગ્રેસે ધારાસભ્યોને બંધક બનાવવાનો આરોપ મૂક્યો હતો. આ બધાને ખાસ પ્લેનથી લાવવામાં આવ્યા હતા. કમલનાથ સરકારને તોડવા માટે ધારાસભ્યોને 25 થી 35 કરોડ રૃપિયાની ઓફર થઈ હતી તેવું પણ દિગ્વિજયસિંહે જણાવ્યું છે. તેમણે કહ્યું છે કે સરકાર સ્થિર છે અને કોઈ ખતરો નથી. પાંચ કરોડ રૃપિયા અત્યારે અને બાકીની રકમ રાજ્યસભાની ચૂંટણી બાદ અને સરકાર તોડ્યા બાદ અવિશ્વાસ પ્રસ્તાવ બાદ હપ્તે આપવાની ઓફર થઈ હતી. અમૂકને પ્રધાનને ઓફર પણ થઈ હોવાનો તેમણે આરોપ મૂક્યો હતો. આમ દિગ્વિજયસિંહની દીર્ધદૃષ્ટિ કામ કરી ગઈ અને કમલનાથ સરકાર પર તોળાઈ રહેલું સંકટ ટળી ગયું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.