ખેડુતો માટે મસમોટી ચિંતા, ઉ.ગુજરાત, સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી

હાલ ગુજરાતમાં બે ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. દિવસે ગરમી અને રાતે ઠંડી લાગી રહી છે, ત્યારે હવામાન વિભાગે કરેલી આગાહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થઈ શકે છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ પાંચ અને છ માર્ચના રાજ્યના વાતાવરણમાં પલટો આવશે. આ દિવસે રાજ્યમાં વાદળછાયું વાતાવરણ રહેશે. બનાસકાંઠા અને વલસાડમાં કમોસમી વરસાદી છાંટા પડવાની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી છે.

શિયાળુ પાકની કાપણી સમયે ખેડૂતો માટે માઠા સમાચાર સામે આવ્યા છે. હવામાન ખાતાના જણાવ્યા પ્રમાણે લો-પ્રેશરની સ્થિતિ સર્જાતા પાંચમી માર્ચના રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થવાની શક્યતાઓ છે.

હવામાન ખાતાએ આગાહી કરી છે કે, પાંચમી માર્ચના ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી તથા સૌરાષ્ટ્રના દ્વારકા, પોરબંદર અને કચ્છ વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા પડી શકે છે, જો કે બીજા દિવસે છ માર્ચના પણ આ વિસ્તારમાં વાદળછાંયુ વાતાવરણ રહી શકે છે.

અત્રે ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક સપ્તાહથી તાપમાન ઊંચકાતા ઉનાળાની ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. બપોરના સમયે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે. રાત્રે સૂતા વખતે લોકોએ પંખા ચાલુ રાખવાનું શરૃ કરી દીધું છે, ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.

દેશના કોરહિટ વેવ ઝોન એટલે કે, પંજાબ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, ગુજરાત, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, તેલંગણા, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠાવાડા, આંધ્રપ્રદેશમાં મહત્તમ તાપમાન વધવાની સંભાવના 43 ટકા આંકવામાં આવી છે. આ તમામ રાજ્યોમાં સામાન્ય કરતા વધુ લૂ લાગશે.