કોરોના ઇફેક્ટ : સંસદથી લઇને સ્કુલ સુધીમાં લોકોમાં દેખાયો ડર, નેતાઓ માસ્ક અને સેનેટાઇઝર સાથે દેખાયા

કોરોના વાયરસનો ડર ભારતમાં ખાસ કરીને દિલ્હીમાં ખાસ્સો જોવા મળી રહ્યો છે. અહીં સ્કુલથી લઇને સંસદ સુધી વાયરસનો ડર જોવા મળી રહ્યો છે. એકતરફ સંસદમાં નેતાઓ મ્હો પર માસ્ક અને ખિસ્સામાં સેનેટાઇઝર લઇને પહોંચી રહ્યા છે, તો શાળાઓમાં બાળકો ચહેરા પર માસ્ક લગાવીને પહોંચી રહ્યા છે. આ વાયરસને કારણે દિલ્હીમાં કેટલાક વિસ્તારોમાં શાળાઓ બંધ પણ કરાવાઇ છે. આ તરફ પીએમ મોદીએ વાયરસને કારણે હોળીના કોઇ જાહેર કાર્યક્રમમાં સામેલ નહીં થવાનો નિર્ણય કરીને લોકોને પણ એવી અપીલ કરી છે.

કોરોના વાયરસને કારણે મહારાષ્ટ્રની અપક્ષ સાસંદ માસ્ક પહેરી સંસદમાં આવ્યા

કોરોના વાયરસે એવો ડર ફેલાવ્યો છે કે તેના કારણે સામાન્ય જન કરતાં રાજકીય નેતાઓ વધુ ડરેલા લાગી રહ્યા છે. દિલ્હીમાં સંસદ ભવનમાં બુધવારે કોરોનાના ડરને કારણે મહિલા સાસંદ નવનીત રાણા માસ્ક પહેરીને પહોંચ્યા હતા. નવનીત રાણા મહારાષ્ટ્રના અપક્ષ સાસંદ છે. તેમણે કહ્યું હતું કે સરકારે એ ધ્યાન રાખવું જોઇએ કે N-95 માસ્ક દરેક સ્થળે ઉપલબ્ધ છે કે નહીં.

ભાજપના સાંસદ જે અલ્ફોન્સ ખિસ્સામાં સેનેટાઇઝર લઇને સંસદ પહોંચ્યા

નોઇડામાં મંગળવારે 6 શંકાસ્પદ કેસ મળ્યા પછી દિલ્હીમાં કોરોના વાયરસને કારણે ખાસ્સો ડર જોવા મળી રહ્યો છે. લોકો તો ઠીક પણ સાંસદો પણ તેનાથી ડરેલા જણાઇ રહ્યા છે. બુધવારે સંસદ ભવનમાં ભાજપના સાંસદ જે આલ્ફોન્સ કન્નનથનમ આ વાયરસના ડરના કારણે ખિસ્સામાં સેનેટાઇઝર લઇને આવ્યા હતા.

દિલ્હીની કેટલીક શાળાઓમા બાળખો માસ્ક પહેરીને અભ્યાસ કરતાં દેખાયા

ભારતમાં કોરોના વાયરસના નવા કેસ સામે આવ્યા પછી લોકોમાં તેને લઇને ખાસ્સો ડર જોવા મળી રહ્યો છે, દિલ્હીના કેટલાક વિસ્તારોમાં તો શાળાઓ બંધ રહી હતી પણ અન્ય કેટલાક વિસ્તારોમાં ચાલુ રહેલી શાળાઓમાં માતા-પિતાએ પોતાના બાળકોને માસ્ક પહેરાવીને શાળાએ મોકલ્યા હતા અને શઆળાના ક્લાસમાં તમામ બાળકો મ્હો પર માસ્ક લગાવીને અભ્યાસ કરતાં જોવા મળ્યા હતા.