કોરોના વાયરસ: હોળીને લઈ PM મોદીએ કર્યો આવો મોટો નિર્ણય, તમે પણ કરો અનુસરણ

ચીનની ઉપજ એવો ઘાતક કોરોના વાયરસ દિલ્હી સુધી પહોંચી ગયો છે અને તેના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોટો નિર્ણય કરીને આ વખતે હોળી મિલનના કોઈ કાર્યક્રમમાં ભાગ નહીં લેવાનું જાહેર કર્યું છે. પીએમ મોદીએ જાતે ટ્વીટ કરીને આ જાણકારી આપી છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસથી અત્યાર સુધી દુનિયાભરમાં 3 હજારથી વધારે લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે ભારતમાં તેના 18 કેસની પુષ્ટિ થઈ ચૂકી છે.

પીએમ મોદીએ પોતાના ટિ્વટમાં કહ્યું છે કે ‘દુનિયાભરમાં એક્સપર્ટ્સ કહી રહ્યા છે કે કોરોના વાયરસ (COVID-19)ને ફેલાતો રોકવા માટે કોઈ મોટા સ્તર પર પ્રોગ્રામનું આયોજન ન કરાય, વધારે લોકોને એક જગ્યાએ એકઠા ન કરવામાં આવે. આથી મેં આ વર્ષે નિર્ણય લીધો છે કે હું કોઈપણ હોળી મિલન સમારોહમાં ભાગ નહીં લઉં.’ પીએમ મોદીએ આ ટિ્વટ કરવાની સાથે જ એવું પણ કહ્યું છે કે કોરોનાથી ડરવાની કોઇ જરૂર નથી, પણ તકેદારી લેવાય તે જરૂરી છે.

આ પહેલા મંગળવારે પ્રધાનમંત્રી મોદીએ કોવિડ-19 નોવેલ કોરોના વાયરસ સામે લડવાની તૈયારીની સમીક્ષા કરી હતી. પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, કોવિડ-19 નોવેલ કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને તૈયારીની સમીક્ષા કરાઈ છે. ભારત આવનારા લોકોના સ્ક્રિનિંગથી લઈને તાત્કાલિક સારવાર કરવા સુધીની કામગીરી માટે જુદાજુદા મંત્રાલયો મળીને કામ કરી રહ્યા છે અને ગભરાવવાની જરૂર નથી.

ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિત દેશભરમાં કોરોના વાયરસને લઈને એલર્ટ જાહેર કરાયું છે. ભારત પ્રવાસે આવેલા ઈટાલીના 21 નાગરિકોમાંથી 14ના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા. તેમની સાથે રહેલા એક ભારતીયમાં પણ કોરોનાના સંક્રમણની ખબર છે. બીજી તરફ નોઈડાના 6 શંકાસ્પદોમાં કોરોના વાયરસ મળ્યો નથી. સાવધાની માટે દિલ્હી-NCRની ઘણી સ્કૂલોને બંધ કરવામાં આવી છે. વાયરસને જોતા ભારત ઈરાન, ઈટાલી, દક્ષિણ કોરિયા અને જાપાનના નાગરિકોના વીઝા તાત્કાલિક અસરથી કેન્સલ કરી દીધા છે અને એરપોર્ટસ પર ચેકિંગ તેમજ સ્ક્રિનિંગ ચાલી રહ્યુ છે.