નિર્ભયા ગેંગરેપના આરોપીઓ માટે ફાંસીનો ફંદો તૈયાર : પવનની દયા અરજી રાષ્ટ્રપતિએ ફગાવી

ત્રણ વાર જેમની ફાંસી ટળી ચુકી છે તે નિર્ભયા ગેંગરેપ કેસમાં આરોપીઓ માટે ફાંસીનો ફંદો હવે તૈયાર થઇ ગયો છે. આ આરોપીઓને ફાંસીના માચડે લટકાવવા માટે ત્રણ વખત વોરન્ટ બન્યું અને તેના પર રોક લગાવવામાં આવી. હવે આ કેસમાં રાષ્ટ્રપતિએ દોષિત પવન ગુપ્તાની દયા અરજીને ફગાવી દીધી છે. એટલે કે હવે ચારે દોષિતોની ફાંસીનો રસ્તો સાફ થઈ ગયો છે. આ પહેલા દિલ્હી સરકારે પણ નિર્ભયાના દોષી પવનની દયા અરજી ફગાવવાની ભલામણ કરી હતી. ત્રણ માર્ચેના દિવસે ચારે દોષિતોને ફાંસીના માચડે લટકાવવાના હતા જોકે, તેના પર કોર્ટે રોક લગાવી દીધી હતી.

નિર્ભયાના વાલીના વકીલ સીમા કુશ્વાહે રાષ્ટ્રપતિએ પવનની દયા અરજી ફગાવ્યા બાદ જણાવ્યું છે કે, “અમે દિલ્હીની કોર્ટમાં ચારે આરોપીઓને ફાંસીની સજા મળે તેના માટે નવી અરજી કરીશું. આરોપીઓએ તેમને મળનારા કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરી લીધો છે. હવે જે તારીખ (ફાંસી માટે) આવશે તે અંતિમ તારીખ હશે.” સોમવારે પવનની અરજી ગૃહ મંત્રાલય પાસે પહોંચી હતી જેને મંત્રાલયે રાષ્ટ્રપતિની મંજૂરી માટે મોકલી હતી. દિલ્હીની એક કોર્ટે સોમવારે 2012ના ગેંગરેપના દોષિતોને ફાંસી પર રોક લગાવી દીધી હતી. આ ચારે દોષિતોને મંગળવારે સવારે 6 વાગ્યે ફાંસીના માચડે લટકાવવાના હતા.

કોર્ટે અગાઉ જણાવ્યું હતું કે, પવન ગુપ્તાની દયા અરજી ફગાવવામાં ના આવે ત્યાં સુધી ફાંસીની સજા ના આપી શકાય. જજે કહ્યું, “પીડિત પક્ષ તરફથી કડક વિરોધ છતાં, મારો વિચાર છે કે કોઈ પણ દોષીના મનમાં તેના સગાને મળતી વખતે એ ફરિયાદ ના થવી જોઈએ કે દેશની કોર્ટે તેને કાયદાકીય ઉપાયોનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં નિષ્પક્ષ રીતે કામ ના કર્યું.”