થાઇલેન્ડના જંગલમાં કોબ્રાનું લોહી પીવાની સાથે ઝેરી કરોળિયા અને વીંછી ખાતા અમેરિકન મરિન સૈનિકો

થાઇલેન્ડના જંગલમાં આજકાલ અમેરિકન સમુદ્રી દળના સૈનિકો ઝેરી કરોળિયાઓ અને વીંછીઓ ખાઇ રહ્યા છે અને અત્યંત ખતરનાક કોબ્રા સાપનું લોહી પી રહ્યા છે. અત્યંત કપરા સંજોગોમાં જંગલમાં કઇ રીતે ટકી રહેવું તેની કવાયતના ભાગરૂપે તેઓ આવું કરી રહ્યા છે.

જુઓ વીડિયો

કોબ્રા ગોલ્ડ તરીકે ઓળખાતી વાર્ષિક સંયુક્ત લશ્કરી કવાયત થાઇલેન્ડના જંગલમાં ચાલી રહી છે. આ કવાયતમાં અમેરિકા અને થાઇલેન્ડના સૈનિકો સંયુક્તપણે યુદ્ધાભ્યાસ કરે છે. આ કવાયતમાં સિંગાપોર, ચીન, ભારત, જાપાન, ઇન્ડોનેશિયા, દક્ષિણ કોરિયા સહિતના અન્ય ૨૯ દેશો પણ ભાગ લઇ રહ્યા છે અને એશિયા પેસિફિક ક્ષેત્રની આ સૌથી મોટી લશ્કરી કવાયત બની રહે છે. આ કવાયતમાં હજારો સૈનિકો ભૂમિ અને સમુદ્રી કવાયતો કરે છે, પણ આમાં ખાસ ધ્યાન ખેંચે તેવી બાબત સૈનિકોને વિપરીત સંજોગોમાં ટકી રહેવા માટે અપાતી તાલીમ છે.

અમેરિકન મરિન સૈનિકો અહીં આ તાલીમ ખાસ લે છે અને તેના ભાગરૂપે તેઓ જંગલમાં અત્યંત ઝેરી અને ડંખીલા જીવ જંતુઓને મારીને, તેમનું ભક્ષણ કરીને પણ કઇ રીતે જીવતા રહી શકાય તે શીખવવામાં આવે છે. અમેરિકન મરિન ફોર્સના સૈનિકો તેમાં ઝેરી કરોળિયા અને વીંછી જેવા જંતુઓ ખાય છે અને કોબ્રાનું લોહી પીએ છે. કોબ્રાનું લોહી પીતા પહેલા તેનું માથું કાપી નાખવાની તાલીમ તેમને આપવામાં આવે છે.

સાપની ઝેરની કોથળીઓ તેના મોંમાં હોય છે અને માથુ કાપી નાખવામાં આવતા આ ઝેરનો ભય દૂર થઇ જાય છે. કોબ્રાના લોહીમાં ઝેર હોતું નથી. કેટલીક તસવીરો દર્શાવે છે કે સૈનિકોના મોંમાં ચળકતું, લાલ લોહી રેડાઇ રહ્યું છે. આ તાલીમનું આ ૩૯મુ વર્ષ છે. દસ દિવસ સુધી ચાલનારી આ કવાયત અને તાલીમ ગયા મંગળવારે શરૂ થઇ છે.