શાહરૂખની ધરપકડ, દિલ્હી હિંસા દરમિયાન પોલીસ પર તાકી હતી પિસ્તોલ

દિલ્હી હિંસા દરમિયાન પોલીસ કોન્સ્ટેબલને  પિસ્તોલ બતાવનાર શાહરૂખની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમે શાહરૂખની ઉત્તર પ્રદેશના બરેલીથી ધરપકડ કરી છે. અત્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. સાથોસાથ તેને આશરો આપનારા લોકોની શોધ શરૂ કરી છે.

દિલ્હી હિંસા દરમિયાન 24 ફેબ્રુઆરીએ જાફરાબાદ વિસ્તારમાં એક વ્યક્તિએ આઠ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ વ્યક્તિએ ફાયરિંગ દરમિયાન પોલીસ જવાન પર પિસ્તોલ પણ બતાવી હતી. ફાયરિંગ કરતી વખતે આ માણસ ફરીથી ભીડમાંથી ગાયબ થઈ ગયો. આ વ્યક્તિની ઓળખ શાહરૂખ તરીકે થઈ હતી.

દિલ્હી પોલીસ ઘણા દિવસોથી શાહરૂખની શોધ કરી રહી હતી. કહેવામાં આવી રહ્યું હતું કે તે દિલ્હીના ઉસ્માનપુર પોલીસ સ્ટેશનનો રહેવાસી છે, પરંતુ ઘટના બાદ જ તેના પરિવાર સાથે ભાગી ગયો હતો. દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચની ટીમ તેની શોધમાં હતી.

ક્રાઈમ બ્રાંચને સમાચાર મળ્યા કે શાહરૂખ બરેલીમાં છુપાયો છે. આ પછી ઉત્તર પ્રદેશ પોલીસ અને દિલ્હી પોલીસે મળીને શાહરૂખની ધરપકડ કરી છે. હાલમાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ સાથે શાહરૂખના મદદગારોની શોધ પણ શરૂ થઈ ગઈ છે.